Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કર્મયાત્રી આનંદીબેનઃ સંઘર્ષ, પરાક્રમથી સિધ્ધિની પ્રેરકયાત્રા

છાપામાં સમાચાર વાંચી નરેન્દ્ર મોદી મને મળવા આવ્યા હતા, ભાજપમાં જોડાવા કહ્યું હતું: આનંદીબેન પટેલઃ નર્મદા પ્રવાસમાં બે યુવતીને ડુબતી બચાવવાના ન્યૂઝ વાંચીને આનંદીબેનને મળવા મોદીજી ગયેલાઃ અમદાવાદના રોડ પર વૃક્ષ નીચે ભાજપમાં જોડાવા નિર્ણય લેવાયોઃ સામાન્ય જિંદગીથી મુખ્યમંત્રી - રાજ્યપાલ સુધીની સફર

'કર્મયોગીઃ આનંદીબેન પટેલ' પુસ્તકના વિમોચન સમારોહમાં કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા, રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મધ્યપ્રદેશના રાજ્યપાલ અને પુસ્તક ઉત્સવમૂર્તિ શ્રીમતિ આનંદીબેન પટેલ નજરે પડે છે. પુસ્તક પરિચય જય વસાવડાએ આપ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદીએ કર્યું હતું.

અમદાવાદ તા. ૧૭ : રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનો શ્રેય હાંસલ કરનારા આનંદીબેનનાં જીવનકથન અને વિવિધ ક્ષેત્રે પ્રદાનની કંઇક પ્રગટ તો કંઇક અલભ્ય એવી તસ્વીરો સાથેનું આલેખન 'આનંદીબેન પટેલ કર્મયાત્રી' પુસ્તકમાં ઝીલાયાં છે આ પુસ્તકના પાને પાને એક વિરલ પ્રતિભાનાં ઓજસ પથરાયાં છે જે ગુજરાતની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ થશે. આ પુસ્તકનું વિમોચન તાજેતરમાં અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયું હતું.

ઙ્ગ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખરોડ ગામનું ખેતર.ઊંચે આકાશમાં એક વિમાન પસાર થાય છે.ખેડૂત પરિવારની બે કન્યાઓ કંઇક રોમાંચ, કંઇક હર્ષ, કંઇક કૂતુહલ તો કંઇક મહત્વાકાંક્ષા સાથે નેજવાં પર હાથ મૂકીને ઊંચે આભ ભણી દૃષ્ટિ માંડે છે. 'જો એ પેલું વિમાન જાય....એ કેવું ઊંચું જાય છે...આપણે એ વિમાનમાં બેસીશું ને.'

દાયકાઓ અગાઉનું એ ગુજરાત. જયારે આકાશમાંથી પસાર થતું વિમાન જોવું એ પણ એક લ્હાવો હતો. અને એમાં બેસીને આભને સર કરવાના સપનાં જોવાં એ કો કાચાપોચાનું તો ગજું ન હતું. એ માટે સ્વપ્ન જોઇએ. મહત્વાકાંક્ષા જોઇએ, એ મહત્વાકાંક્ષાને આંબવા માટેનો દૃઢ નિર્ધાર જોઇએ, નિરંતર પ્રયાસોની આકરી તાવણી જોઇએ અને એ પ્રયાસોને વેગીલી બનાવતી પ્રતિભા જોઇએ.

ખરોડના જેઠાભાઇ પટેલની દીકરી આનંદીબેન પાસે આ બધું જ હતું. સપનાં પણ અને તેને પરિપૂર્ણ કરવાનું સંકલ્પબળ પણ. પ્રતિભા પણ અને પ્રતિભાને ટેકે આગળ વધવાનો પુરૂષાર્થ પણ.

હા, એ બે કન્યામાંથી એક કન્યા એટલે આનંદીબેન પટેલ. ગરવી ગુજરાતનાં સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે જેમનું સ્થાન આધુનિક ગુજરાતના ઇતિહાસમાં બીજી હજારો મહિલાઓ માટે સદાકાળ એક ધ્રૂવતારક બની રહેવાનું છે.

ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત્। મહાનુભવોનાં વ્યકિતચિત્રો બહુ ઓછાં આલેખાયાં છે. આવાં વ્યકિતચિત્રો લખાવાની સવિશેષ જરૂર એટલા માટે છે કે તેમાં જે તે વ્યકિતનાં જીવનની કથની જ નહીં પરંતુ તે વ્યકિતએ ખેડેલી સમગ્ર જાહેરજીવનની સફરનો દસ્તાવેજ પ્રાપ્ત થાય છે. આનંદીબેન પટેલ આવું ગરિમાપૂર્ણ વ્યકિતત્વ છે. જોકે, તેમને માત્ર રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત્। કહેવું એ તેમની અધૂરી ઓળખ ગણાશે. આનંદીબેનનું શિક્ષણ જેવાં પેઢીઓની પેઢીનું ઘડતર કરતાં ક્ષેત્રમાં પણ એવું જ માતબર, ઉલ્લેખનીય અને દેશના રાષ્ટ્રપતિના હસ્તે સન્માનીય પ્રદાન રહ્યું છે. આનંદીબેને એક શિક્ષિકા અને એક આચાર્યા તરીકે હજારો કન્યાઓની જિંદગીનું ઘડતર કર્યું તો સાથે સાથે એક મહિલા નેતા તરીકે રાજયની સેંકડો મહિલાઓને જાહેર જીવનમાં લાવી ગુજરાતમાં નારી શકિતને સબળ બનાવવામાં બહુમૂલ્ય કહી શકાય એવું પ્રદાન આપ્યું.

આનંદીબેનનાં જીવનકથન અને વિવિધ ક્ષેત્રે પ્રદાનની કંઇક પ્રગટ તો કંઇક અલભ્ય એવી તસવીરો સાથેનું આલેખન માણવું હોય તો 'આનંદીબેન પટેલ કર્મયાત્રી' પુસ્તકનું મનપૂર્વક પઠન કરવું જ પડે. અહીં પાને પાને એક વિરલ પ્રતિભાનાં ઓજસ પથરાયાં છે. એવી વિરલ પ્રતિભા જેણે ગુજરાતમાં સેંકડો મહિલાઓને ગુજરાતમાં જાહેર જીવન ક્ષેત્રે પ્રદાન કરવા માટે સજ્જ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં સંખ્યાબંધ મહિલા મંત્રી, મહિલા ધારાસભ્યો, મહિલા સાંસદો, મહાનગરપાલિકાઓ અને પંચાયતોના મહિલા પદાધિકારીઓ તથા મહિલા સામાજિક કાર્યકરોનો એક વિશાળ ફાલ બહાર આવ્યો છે અને તેમાંની મોટાભાગની મહિલાઓ માટે જાહેર જીવનની પગદંડી કંડારી આપનારાં શિલ્પી આનંદીબેન પટેલ છે.ઙ્ગ

જોકે, આ પુસ્તકનાં પાને પાને લખાયેલી પ્રારંભિક સંઘર્ષ કથા જણાવે છે તેમ ખુદ આનંદીબેનનો રાહ આટલો આસાન ન હતો. કદાચ પોતે ભવિષ્યમાં આ રાહ પર ચાલશે તેવી કોઇ યોજના કે હેતુ પણ શરૂઆતમાં કયાંય ન હતાં. દેશને સ્વતંત્રતા મળ્યા પછીનાં શરૂઆતનાં વર્ષોનો એ સમય. જયારે કન્યા કેળવણીનાં શહેરોમાં પગરણ થઇ ચૂકયાં હતાં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત પરિવારોમાં હજુ છોકરાઓને પણ ઉચ્ચ શિક્ષણ આપવું જોઇએ તેવો ખ્યાલ આરૂઢ થયો ન હતો. ત્યાં એક છોકરીને તો શિક્ષણ અપાવવાનું કોણ વિચારે ? પરંતુ, હંમેશાં નિર્ભીક રીતે ચીલો ચાતરવાનો વારસો આનંદીબેનને જેમની પાસેથી મળ્યો છે તેવા તેમના પિતા જેઠાભાઇ સમય કરતાં કયાંય આગળ વિચારનારા હતા.ઙ્ગ

નાની વયે જ તેમણે આનંદીબેનમાં તેજસ્વીતાનો ઝબકારો જોઇ લીધો હતો. આથી તેમણે મક્કમ સંકલ્પ કર્યો કે આનંદીબેનને પોતે ઉચ્ચ શિક્ષણ અપાવીને જ રહેશે. આ રીતે શિક્ષણના પંથ પર આનંદીબેનની સફર પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થિની તરીકે શરૂ થઇ. શરૂઆતનાં ચાર ધોરણ સુધી તો સહશિક્ષણ હતું પરંતુ પછી એક પડકાર સામે આવ્યો. આનાથી આગળ ખાસ કોઇ કન્યાઓ ભણતી જ ન હતી એટલે આનંદીબેને ભણવું હોય તો જેમાં એક પણ વિદ્યાર્થિની ના હોય તેવી કુમાર શાળામાં જ અભ્યાસ કરવો પડે. કોઇ સખી, સહવિદ્યાર્થિની વિના જ એકલા હાથે આનંદીબેને કોઇ સંકોચ વિના દૃઢ મનોબળ સાથે આ પડકાર ઉઠાવ્યો અને અભ્યાસ આગળ વધાર્યો.ઙ્ગ

આ જ સ્થિતિ આગળ જતાં પિલવાઇની એમ. જી. પંચાલ સાયન્સ કોલેજમાં પણ આવી. પાંચસો વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ધરાવતી આ કોલેજમાં પહેલાં વર્ષમાં દાખલ થયાં ત્યારે આનંદીબેન એકમાત્ર મહિલા વિદ્યાર્થિની હતાં. એ સમયના સામાજિક માહોલ, એ દેશકાળને યાદ કરો તો ખ્યાલ આવે કે આનંદીબેને કેવું સાહસિક કદમ ઉઠાવ્યું હતું. અને આ કદમ ઉઠાવવાની જરૂર શી હતી ? બસ એક જ મહેચ્છા, ઉચ્ચ શિક્ષણ મેળવવું છે.

એક ખેડૂપુત્રી તરીકે તેઓ દુષ્કાળગ્રસ્ત રાજયના ખેડૂતોની વેદના સમજયાં અને તેમના માટે કંઇ કરી છૂટવાની તમન્નાથી ભાજપમાં જોડાયાં. તેમની બેજોડ સંગઠન શકિતએ ગુજરાતમાં ભાજપના મહિલા મોરચાને જન્મ આપ્યો અને તેને ઉચ્ચત્ત્।ર મુકામ સુધી પહોંચાડ્યો. એક તેજસ્વી શૈક્ષણિક પ્રતિભા તરીકે તેમને રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ ઉપલાં ગૃહ તરીકે ઓળખાતાં રાજયસભામાં મોકલાયાં હતાં. ભાજપની ન્યાય યાત્રા કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની તિરંગા યાત્રામાં જોડાઇને પોતાની બહાદૂરી, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જાગૃતિના મૂલ્યોનો પરિચય કરાવી ચૂકેલાં આનંદીબેને માંડલ બેઠકથી રાજય વિધાનસભામાં પગરણ માંડ્યાં અને તે પછી વર્ષો વર્ષ રાજયના વિવિધ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં રહ્યાં.

દાયકાઓના શિક્ષણ ક્ષેત્રના અનુભવના કારણે ગુજરાતને તેમનાં સ્વરૂપે રાજયનાં સૌથી અસરકારક શિક્ષણ મંત્રી સાંપડ્યા. મહેસૂલ મંત્રી તરીકે તેમણે મહેસૂલી તુમારોની અટપટી જાળને વિખેરીને સમગ્ર તંત્રને વિકેન્દ્રિત અને સુવ્યવસ્થિત બનાવી સામાન્ય માણસ માટે તેની પહોંચ બનાવવાનું સરળ કામ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ્ય રીતે જ અભિનંદન આપે છે તેમ ગુજરાતનાં મહેસૂલી તંત્રમાં આધુનિક સુધારાઓનાં પ્રણેતા આનંદીબેન બન્યાં.

માર્ગ અને મકાન મંત્રી તથા શહેરી વિકાસ મંત્રી તરીકે તેમણે દેશવિદેશમાં વખણાયેલાં 'ગુજરાત મોડલ'માં આંતરમાળખાકીય વિકાસ માટે દૃષ્ટિ અને ઝડપી અમલીકરણનાં દ્વાર ખોલી આપ્યાં. એકથી વધુ મંત્રાલયોમાં સફળ કામગીરી અને ગુજરાતના જાહેર જીવનમાં મુઠ્ઠી ઊંચેરા સ્થાનને લીધે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમની વરણીને સમગ્ર રાજયએ વધાવી લીધી હતી. મુખ્યમંત્રી તરીકે સાદગી, ઝડપી નિર્ણયક્ષમતા, વહીવટીતંત્ર પર પક્કડ અને દેશવિદેશના મહાનુભવો સાથેના સંપર્કો દ્વારા રાજયને નવી ગતિશીલતા બક્ષવાના તેમના પ્રદાનને અનેક તસવીરો દ્વારા આ પુસ્તકમાં યોગ્ય રીતે ઉપસાવવામાં આવ્યું છે.

હવે મધ્યપ્રદેશનાં રાજયપાલ તરીકે બંધારણીય જવાબદારીનું વહન કરી રહેલાં આનંદીબેનની એક કર્મયાત્રી તરીકેની જીવનસફરનાં આવાં તો અનેક પ્રેરણાદાયી પૃષ્ઠ ઉઘાડી આપતું આ પુસ્તક રાજયની ભાવિ પેઢીઓ માટે એક પ્રેરણાગ્રંથ તો સાથે સાથે ગુજરાતના રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ઇતિહાસને તપાસવા મથતા સંશોધકો માટે એક પ્રમાણભૂત દસ્તાવેજ સમાન બની રહેશે.

સર્વિસ - સંસાર - સમાજ... ત્રિવિધ જવાબદારી

અમદાવાદ : એક તબક્કે તો આનંદીબેનના ભાઇએ નક્કી કરી લીધું હતું કે આનંદીબેને મેટ્રિકયુલેશન પછી આગળ ભણવાની જરૂર નથી પરંતુ જેઠાભાઇએ તે જમાનામાં ટેલિગ્રામ કરીને આનંદીબેનને તાકીદ કરી હતી કે તારે આટલેથી અટકવાનું નથી.

કદાચ, પિતાની આ શીખ આનંદીબેને આજીવન ગાંઠે બાંધી. એમણે કયારેય ક્ષિતિજની કેદમાં રહેવાનું મુનાસિબ માન્યું જ નહીં. સતત નવી ક્ષિતિજ, સતત નવાં શિખર, જયાં હજુ સુધી કોઇ પહોંચ્યું ના હોય તેવા સેવા-માર્ગદર્શન અને નેતૃત્વના મુકામ આ બધું તેમણે સાહજિક રીતે વટાવ્યું. બી.એસસી. કેમિસ્ટ્રીની પદવી બાદ આનંદીબેને અમદાવાદમાં એક તરફ સંસારની જવાબદારીઓ વહેવાની શરૂ કરી, દસ સભ્યોના પરિવારની સંભાળ રાખવા માંડી તો સાથે સાથે શિક્ષણ અને અધ્યનની તેમની કેડીને પણ વિસ્તારવા માંડી. મહેચ્છા તો હતી કોલેજના અધ્યાપક બનવાની પરંતુ માતા તરીકેની જવાબદારી અને અધ્યન-અધ્યાપન આ બંને વચ્ચેની સમતુલા જાળવવા તેમણે એમ.એસસી.ની સાથે બી.એડ.નું શિક્ષણ પણ મેળવ્યું પદવી મેળવ્યા બાદ અમદાવાદની મોહિનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ સ્વીકારી.ઙ્ગજોકે, એક શિક્ષિકા તરીકેની ફરજ બજાવતાં બજાવતાં અને તે વખતે નાના સંતાનો સંજય અને અનારની સંભાળ રાખવાની સાથે સાથે જ આનંદીબેને એમ.એડ.નો પણ અભ્યાસ કર્યો અને મોહિનીબા કન્યા વિદ્યાલયમાં આચાર્યના હોદ્દા સુધી પહોંચી તેને અમદાવાદની જ નહીં પરંતુ રાજયની સૌથી પ્રતિષ્ઠિત કન્યાશાળાઓમાંની એક બનાવવામાં યોગદાન આપ્યું. આ પુસ્તકમાં જાણવા મળે છે કે દેશના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિનો એવોર્ડ પામી ચૂકેલાં કે પછી નર્મદા નદીમાં તણાતી વિદ્યાર્થિનીઓને બચાવવા માટે રાષ્ટ્રપતિનો શૌર્ય પુરસ્કાર મેળવી ચૂકેલા આનંદીબેનની રાજકીય સફર અનાયાસે જ શરૂ થઇ હતી.

(2:47 pm IST)