Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કોઇમાં ડર છે ?... સુરતમાં પ્રેમાંધ યુવકે ખેલ્યો અગનખેલઃ માતા સાથે જ સગીર પુત્રીને સળગાવવાનો પ્રયાસ કર્યો પછી બૂમાબૂમ કરતા બચી ગયાઃ આજે તો બચી ગઇ, પણ તને છોડીશ નહિ... તેવી ધમકી પણ દેતો ગયો

સુરતઃ અત્રેની રમણનગર સોસાયટીમાં પ્રેમાંધ યુવાને અગનખેલ ખેલી માતા સાથે સગીર પુત્રીને સળગાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જો કે, બૂમાબૂમ કરતા માતા-પુત્રી બંને બચી ગયા છે. કોઇનો ડર ન હોય તેમ અેકતરફી પ્રેમમાં પાગલ યુવાને આજે તો બચી ગઇ પણ તને છોડીશ નહીં તેવી ધમકી પણ આપી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કતારગામ ચીકુવાડી રોડ રમણનગર સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષિય યુવાને ઘરની સામે રહેતી અને ધો. ૯ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષિય તરૃણીના પ્રેમમાં પાગલ બની  તરૃણી અને તેની માતા ઉપર કેરોસીન છાંટી જીવતા સળગાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, લાઈટર ચાલુ ન થતાં તરૃણીની માતાએ ઝૂંટવવા પ્રયાસ કરતાં તે ઝપાઝપી કરી કેરોસીનનો ડબ્બો ઘરમાં જ નાંખી ભાગી છૂટયો હતો. 

મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ ચીકુવાડી રોડ રમણનગર સોસાયટી એ/૨૭ માં રહેતા રત્નકલાકાર રાજેશભાઈ કરમશીભાઈ વરિયાના ચાર સંતાનો પૈકી સૌથી મોટી પુત્રી ધર્મિષ્ઠા (ઉ.વ.૧૪) અખંડ આનંદ કોલેજની પાછળ સાર્વજનિક વિદ્યા મંદિરના ધો. ૯ માં અભ્યાસ કરે છે. તેમના ઘરની સામે રહેતો મહેશ બાબુભાઈ કળસરીયા(ઉ.વ.૨૫) છેલ્લા સાત માસથી ધર્મિષ્ઠાનો પીછો કરી વાત કરવા પ્રયત્ન કરતો હોય માતા કાંતિબેનને જાણ કરતા તેમણે મહેશ અને તેની માતાને વાત કરી હતી. 

દરમિયાન, બે માસ અગાઉ મહેશ તેમના ઘરે આવ્યો હતો અને કાંતિબેનને કહ્યું હતું કે હું ધર્મિષ્ઠાને પ્રેમ કરૃ છું, મારે તેની સાથે વાત કરવી છે. મહેશને ઠપકો આપી કાઢી મુકી તેના માતાપિતાને પણ આ અંગે જાણ કરી મહેશને સમજાવવા-ઠપકો આપવા કહ્યું હતું. બુધવારે સાંજે  ૭.૩૦ ના અરસામાં ધર્મિષ્ઠા ઘરમાં પૂજાપાઠ કરતી હતી. કાંતિબેન રસોઈ બનાવતા હતા ત્યારે મહેશ ગળામાં દોરડાથી કેરોસીન ભરેલો ડબ્બો લટકાવી ઘરમાં ઘૂસી ગયો હતો. કેરોસીન ધર્મિષ્ઠા ઉપર છાંટતા તેણે બૂમાબૂમ કરી હતી. બૂમો સાંભળી કાંતિબેન રસોડામાંથી બહાર દોડી આવ્યા હતા. મહેશને અટકાવતા કાંતિબેન ઉપર પણ કેરોસીન છાંટી દેવાયું હતું. મહેશે 'આજે તો અને સળગાવી જ દેવી છે' તેમ કહી ખિસ્સામાંથી લાઈટર કાઢી સળગાવ્યું હતું પરંતુ લાઈટર ચાલુ થયું ન હતું. આથી કાંતિબેને લાઈટર ખેંચવા કોશિષ કરી તો મહેશે ઝપાઝપી કરતા કાંતિબેને બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવતાં કેરોસીનનો ડબ્બો ઘરમાં જ નાંખી મહેશ ભાગી છૂટયો હતો. જો કે, જતાં જતાં તેણે ધર્મિષ્ઠાને ધમકી આપી હતી કે આજે તો બચી ગઈ છે. પરંતુ તને છોડીશ નહીં.

સ્થળ ઉપર દોડી આવેલા રાજેશભાઈના ભાઈ હરેશભાઈએ કંટ્રોલરૃમમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી. કતારગામ પોલીસે કાંતિબેનની ફરિયાદના આધારે મહેશ વિરુધ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જી.એમ.ગમારા કરી રહ્યાં છે.

(5:03 pm IST)