Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની રેલીમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી માસ્ક વિના ફરતા દેખાયા

ભાજપના સમર્થકોએ સોશિયલ ડિસ્ટન્સિંગને નેવે મૂક્યું : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં સીઆર પાટિલની અધ્યક્ષતામાં શહેરમાં બાઈક રેલી નીકળી હતી

સુરત,તા.૧૭ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર કરી રહેલા સીએમ વિજય રુપાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે ત્યારબાદ પણ જાણે ભાજપના નેતાઓ કોરોનાને ગંભીરતાથી નથી લઈ રહ્યા. પક્ષના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજે સુરતમાં વોર્ડ નં. , , , ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮માં બાઈક રેલી કાઢવામાં આવી હતી, જેમાં ખુદ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી માસ્ક વિના જોવા મળ્યા હતા. સીઆર પાટીલે પણ માસ્ક નાક નીચે પહેર્યું હતું. રેલીમાં સામેલ ઘણા કાર્યકરોએ માસ્ક પહેરવાની દરકાર નહોતી લીધી અને સોશિયલ ડિસ્ટન્સિંગના તો લીરેલીરાં ઉડ્યા હતાં. સીઆર પાટીલ તેમજ કુમાર કાનાણીના ફેસબુક પેજ પર રેલીનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં જોઈ શકાય છે કે, રેલી શરુ થઈ ત્યારે તો કુમાર કાનાણીએ સફેદ રંગનું દ્ગ૯૫ માસ્ક પહેરી રાખ્યું હતું,

પરંતુ થોડીવાર બાદ તેમણે માસ્ક ઉતારી દીધું હતું, અને લોકોનું અભિવાદન કરવામાં લાગી ગયા હતા. તેમની સાથે રહેલા સીઆર પાટીલ તેમજ સાંસદ દર્શના જરદોશ પણ માસ્કના નિયમનો ભંગ કરતાં નજરે પડ્યા હતા. પાટીલે માસ્ક નાક નીચે પહેર્યું હતું, જ્યારે દર્શના જરદોશ વચ્ચે વચ્ચે માસ્ક હટાવી લેતાં હતાં. માસ્ક વિના ખાસ્સા સમય સુધી ફર્યા બાદ છેલ્લે કોઈકે ધ્યાન દોરતાં કુમાર કાનાણીએ ફરી માસ્ક પહેર્યું હોવાનું પણ તેમના એફબી લાઈવમાં દેખાયું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ છેલ્લી ઘડીના પ્રચારમાં લાગી ગયા છે. જોકે, ભીડ ભેગી કરવામાં, રેલીઓ અને સભાઓ કરવામાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની બાદબાકી થઈ રહી છે.

કોરોના આવ્યો ત્યારબાદ પહેલીવાર રાજ્યમાં મોટાપાયે ચૂંટણી થઈ રહી છે, જેના પ્રચારમાં નિયમોનો ભંગ થતો હોવાના કારણે કોરોના ફરી માથું ઉંચકે તેવી શક્યતા એક્સપર્ટ્સ વ્યક્ત પણ કરી ચૂક્યા છે, જોકે કોઈ રાજકીય પક્ષ કે નેતા જાણે તેને ગંભીરતાથી લેવા માટે તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, સીએમ રુપાણીને સોમવારે કોરોના થયો હોવાનું કન્ફર્મ થયું હતું. રવિવારે તેઓ વડોદરામાં જાહેર સભા સંબોધી રહ્યા હતા તે વખતે અચાનક તેમની તબિયત લથડતાં તેઓ સ્ટેજ પર ફસડાઈ પડ્યા હતા. હાલ સીએમ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમની સાથે ભાજપના ત્રણ સિનિયર નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે, ચૂંટણી ટાણે સીએમના સંપર્કમાં આવેલા ભાજપના નેતાઓએ ક્વોરન્ટાઈન થવાનું જાણે મુનાસિફ ના માન્યું હોય તેમ પ્રચાર ચાલું રાખ્યો છે.

તરફ પોલીસ જાહેરમાં કોઈ માસ્ક વિના ઝડપાય કે માસ્ક નાક નીચે હોય તો પણ એક હજાર રુપિયાનો મેમો ફાડે છે, ત્યારે નેતાઓ અને રાજકીય કાર્યકરો માસ્કના નિયમને તડકે મૂકી રેલીઓ અને સભાઓમાં જાણે કાયદાની કોઈ દરકાર ના હોય તેમ ફરે છે તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં ઠેકઠેકાણે રેલીઓ થઈ રહી છે, પરંતુ કોઈ રેલીમાં માસ્ક વિના ફરતા કોઈ કાર્યકર કે નેતાને પોલીસે રોકી તેનો મેમો ફાડ્યો હોય તેવી કોઈ ઘટના આજ સુધી સામે નથી આવી.

(7:31 pm IST)