Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કલોલમાં બસ સ્ટેન્ડ નજીક રિક્ષામાં બિયરની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે રંગે હાથે ઝડપી પડયો

ગાંધીનગર:જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ૬૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૃ ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જીજે-૧૮-એવાય-૭૧૫૩ નંબરની રીક્ષામાં બિયરનો જથ્થો લઈ જવામાં આવી રહયો છે. જે બાતમીના પગલે પોલીસે અંબિકા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રીક્ષા આવતાં તેને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતાં બિયરના ૧ર ટીન મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે રીક્ષાચાલક સંજય અમરતભાઈ રાવળ રહે.મકાન નં.શિવનગર દીવડા તલાવડી કલોલ પૂર્વ સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી બિયર અને રીક્ષા મળી ૮૧૭૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બિયર કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

(5:39 pm IST)