Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ફેસબુકમાં પોતાના નગ્ન ફોટો જોઇ યુવતીના પગ તળેથી જમીન ખસી : વર્ચ્યુઅલ મિત્રએ જ કર્યું કારનામું

સોશિયલ મિડીયાનો સંયમપુર્વક અને સમજપુર્વક ઉપયોગ કરવો ખૂબ જરૂરી

વલસાડ : આજના આધુનિક યુગમાં યુવાધન સોશિયલ મિડીયા ઉપયોગ વગર એક દિવસ પણ જીવી શકતા નથી. સંયમ વગરના  સોશિયલ મિડીયાના લીધે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે રાજયના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં એક યુવતીને સમજણ વગર ફેસબુકનો ઉપયોગ ભારે પડયો છે. ફેસબુકના આભાસી મિત્રને આ યુવતીનું જીવન નર્ક કરી નાખ્યું હતુ.

માણસના જીવનમાં મિત્રોનું ખૂબ જ મહત્વ હોય છે. આપણા ઇતિહાસમાં પણ મિત્રતાના અનેક અનોખા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. જો કે આજની નવી પેઢીને સોશિયલ મિડીયામાં મિત્રો બનાવવાનું ઘેલુ લાગ્યુ છે. તેમાં પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા આભાસી સોશીયલ મિડીયા પ્લેટફોર્મમાં વધારેમાં વધારે ફ્રેન્ડ બનાવવાની જાણે હોડ લાગી હોય છે. ત્યારે દિન પ્રતિદિન સોશિયલ મિડીયાના કારણે સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ વધી રહ્યુ છે. સોશિયલ મિડીયાનો સંયમપુર્વક અને સમજણપુર્વક ઉપયોગ કરવો તે ખૂબ જરૂરી છે.

ત્યારે વલસાડની એક યુવતીને કપરો અનુભવ થયો. આ યુવતીએ તેના ફેસબુક ફ્રેન્ડમાં એક માનસી મોદી નામની મહિલાને મિત્ર બનાવી હતી. આ મહિલા મિત્રએ યુવતીના તમામ ફોટાને લાઇક અને શેર પણ કરી શકે તેવી પરવાનગી પણ આપી હતી ત્યારે અચાનક એક દિવસ આ મહિલા મિત્રએ યુવતીને મેસેન્જરમાં કેટલાક ફોટા શેર કર્યા. આ ફોટા જોઇને યુવતીના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. કારણ કે યુવતીના નગ્ન ફોટા મેસેન્જરમાં મોકલવામાં આવ્યા હતા અને આ યુવતીને તેની આ નવી ફેસબુક ફ્રેન્ડ માનસી બ્લેકમેલ પણ કરતી હતી. ઘટનાની ગંભીરતા જોઇને આ વલસાડની યુવતીએ વલસાડ પોલીસને સમક્ષ પોતાની ફરીયાદ રજૂ કરી હતી અંતે વલસાડ પોલીસે આ મામલે ગુનો નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.

આ વિશે ડીવાયએસપી એમ.એન.ચાવડાએ જણાવ્યું કે, વલસાડ પોલીસે આ મામલે એક આરોપી કિર્તી વાઘેલાની ધરપકડ કરી લીધી છે. ગાંધીનગરના પેથાપુર ખાતે રહેતો આ યુવક કિર્તી નામે પોતાનું નકલી ફેસબુક આઇડી બનાવ્યુ હતુ. તે સ્ત્રીઓને બ્લેકમેઇલ કરવાનો ધંધો કરતો હતો. માનસી મોદી નામની મહિલાનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી ફેસબુકમાં જ મહિલા મિત્રો બનાવી તેમના ખાનગી ફોટાઓ સાથે મોર્ફ અને એડીટીંગ કરી યુવતીઓને બ્લેક મેઇલ કરવાનો ધંધો કરનારા યુવાન હાલ વલસાડ પોલીસે દબોચી લીધો છે.

(2:57 pm IST)