Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

અમદાવાદ : આપ ની ચૂંટણી રેલીઓ અને સભામાં ભીડથી ચૂંટણીનું બદલાતું જતુ ચિત્ર : ભાજપ –કોંગ્રેસની ચિંતા વધી

આપ-દ્વારા ૩ દિવસથી થઇ રહેલ પ્રચાર અને રેલીમાં લોકોનો જબરો પ્રતિસાદથી હરીફ પક્ષોમાં દોડધામ

અમદાવાદ : કોર્પોરેનની ચૂંટણીની વિવિધ પક્ષો દ્વારા તડમાર તૈયાર થઇ રહેલ છે. ત્‍યારે આપ ની ચૂંટણી રેલીઓ અને સભામાં લોકોની ભીડથી ભાજપ-કોંગ્રેસમાં ચિંતા વધી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવા જઈ રહી છે. તમામ પાર્ટીઓ દ્વારા મતદાતાઓને રિઝવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, આ વખતે ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીની ચૂંટણીમાં એન્ટ્રી થતા કોંગ્રેસ અને ભાજપમાં ભાગદોડ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા આપના પ્રચાર અને રેલીમાં ભારે ભીડ જોવા મળી હતી અને પ્રજા દ્વારા સારો એવો પ્રતિસાદ પણ આપવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જયારે ગતરોજ જમાલપુર ખાતે આપ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ લોકોએ આપને આવકારો આપ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો આ સભામાં આપના ઉમેદવારોનું ભાષણ પણ સાંભળી રહ્યા હતા. જો કે, આપની આ એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસમાં ભારે દોડધામ મચી જવા પામી છે.

શહેરનો પશ્ચિમ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે અને તેમાં જ આપની રેલીઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડને કારણે ભાજપને મત મેળવવામાં નુકસાન થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. આપની રેલીઓને લઈને ભાજપનું મોવડીમંડળ પણ ચિંતામાં મુકાઈ ગયું છે. બીજી બાજુ, કોંગ્રેસમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કાર્યકરોમાં ભારે વિરોધ અને નારાજગી સહિત આપની રેલીઓમાં ઊમટેલી ભીડે કોંગ્રેસની ચિંતામાં ભારે વધારો કર્યો છે.

રાજ્યની 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે, જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે. જે બેઠકો ભાજપ સીધેસીધી જીતી જતું હતું ત્યાં પણ આપના ઉમેદવારોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને એેને લીધે ભાજપના ઉમેદવારો દોડતા થયા છે.

જમાલપુર વિસ્તારમાં આપની ઉપરા છાપરી સભા કરવામાં આવી હતી. જો કે, આ સભામાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. આપના ઉમેદવાર ડો.મિનાઝ કાદરીએ બાળકોના ભવિષ્ય અને તેમના ભણતરને લઈ લોકોને સમજ આપી હતી. જેથી લોકોએ તેમને સારા સાથ આપ્યો હતો. આ દરમિયાન રવિવારે આપના ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં રેલીઓ યોજી હતી. આ દરમિયાન બાઈક પર જ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, આમ આપના ઉમેદવારોની રેલીઓમાં જંગી ભીડ ભેગી થતાં ચૂંટણીનું ચિત્ર બદલાઈ રહ્યું છે!

(9:15 am IST)