Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમદાવાદના નારોલ આગકાંડ મુદ્દે હાઈકોર્ટની મંજૂરી વિના ચાર્જશીટ ફાઇલ નહીં કરવા આદેશ

ચીરીપાલ ગ્રૂપમાં કામ કરતા ત્રણ આરોપીને કોર્ટે વચગાળાની રાહત આપી

અમદાવાદ : નારોલ આગકાંડ મુદ્દે ચીરીપાલ ગ્રૂપમાં કામ કરતા ત્રણ આરોપીને કોર્ટે વચગાળાની રાહત આપી છે. કોર્ટની પરવાનગી વગર ચાર્જશીટ ફાઇલ નહીં કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે અને પક્ષકારોને નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નારોલ ખાતેની ચીરીપાલ ગ્રૂપની કંપનીમાં આગ લાગતા કારીગરોના મૃત્યુ થયા હોવાની ઘટનાની ફરિયાદ રદ કરાવવા માટે કંપનીના મેનેજર સહિત ત્રણ અધિકારીઓએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી. જેમાં તેમણે તેમની સામે એટ્રોસિટીની જે ફરિયાદ કરવામાં આવી છે એ પાયાવિહોણી હોવાની રજૂઆત કરી હતી.

  જે રિટની સુનાવણીમાં હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે સમગ્ર પ્રકરણમાં હત્યાના ગુનામાં એટ્રોસિટીની કલમ કઇ રીતે લગાવાઇ. ચીરીપાલ ગ્રૂપની કંપનીના ડિરેક્ટર પી.કે.શર્મા, શર્ટિંગ વિભાગના જનરલ મેનેજર બી.સી. પટેલ તથા ફાયર સેફ્ટી અધિકારી રવિકાંત સિંહાએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી. તેમણે તેમની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની માગ કરી છે. સાથે જ રજૂઆત કરી હતી કે તેમની સામે નોંધાયેલા ગુનામાં એટ્રોસિટીની ફરિયાદ ટકી શકે નહીં. એટ્રોસીટીની ફરિયાદ પણ રદ કરવાની માગ કરી હતી.
  આ કેસમાં નોંધાયેલી ફરિયાદની હકીકત મુજબ નારોલ વિસ્તારમાં આવેલી પીપળજ પીરાણા રોડ પરની નંદન ડેનિમ કંપનીમાં કાપડનું ઉત્પાદન થાય છે. જેમાં આઠમી ફેબ્રુઆરીના રોજ શર્ટિંગ વિભાગમાં ભોંયતળિયે તથા પ્રથમ માળે કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે સાંજના સમયે છતના ભાગે આગ લાગતા કારીગરો બુમાબુમ કરી બહાર નીકળવા લાગ્યા હતા. પ્રથમ માળે દરવાજા પાસે વધુ આગ પ્રસરતા એક જ દરવાજો હોવાના લીધે અમુક કારીગરો બહાર નીકળી શક્યા નહોતા.

(10:01 pm IST)