Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગુજરાત યાયાવર પક્ષીઓ માટે ખૂબ અગત્યનો પ્રદેશ : મુખ્યમંત્રી વિજય રૂપાણી

સ્થળાંતર કરતા પક્ષીઓ અંગે વીડિયો કોન્ફરન્સીંગ : યાયાવર પક્ષીઓ એક દેશથી બીજા દેશમાં પ્રવાસ કરે છે

અમદાવાદ, તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ પર ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીસનો વીડિયો કોન્ફરન્સીંગ મારફતે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે યાયાવર પક્ષીઓ એક દેશથી બીજા દેશ અને એક ખંડથી બીજા ખંડનો પ્રવાસ કરીને દેશ અને દુનિયાને એકબીજાથી જોડે છે. ગુજરાત યાયાવર-માઈગ્રેટરી પક્ષીઓ માટે અગત્યનો પ્રદેશ છે.

     ગુજરાતે વર્ષોથી વ્હેલ શાર્ક, એશિયાટીક લાયન, ગુડખર અને કાચબા જેવા જીવો તેમજ ઘોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણ જતનમાં સફળતા મેળવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં અનેક પગલાઓ પણ આ સંદર્ભમાં લેવાઈ રહ્યા છે. આ કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના વન્ય પર્યાવરણ મંત્રાલયના યજમાનપદે કરવામાં આવ્યું છે. રૂપાણીએ આ કોન્ફરન્સમાં સહભાગી રહેલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓને ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિ ગુજરાતમાં આવકારતા કહ્યું હતું કે ગુજરાત જુદા જુદા પક્ષીઓ માટે સાનુકુળ વાતાવરણ અને સુરક્ષિતતા માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરે છે.

(9:34 pm IST)