Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભારત જીવસૃષ્ટીના સંરક્ષણ માટે કટિબદ્ધ છે : કેન્દ્રિય પર્યાવરણ અને વન્ય મંત્રી પ્રકાશ જાવડેકર

દ્રષ્ટી, સમષ્ટી અને સૃષ્ટીનો મંત્ર અપનાવાયો : પર્યાવરણના જતન પર વડાપ્રધાનનો શરૂઆતથી જ ભાર

અમદાવાદ, તા.૧૭  : ગાંધીનગરમાં સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ પર ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નો વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા શુભારંભ કરવામાં આવ્યા બાદ આ પ્રસંગે કેન્દ્રિય પર્યાવરણ અને વન્ય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે માત્ર નિયમોથી નહીં બલ્કે લોકજાગૃતિ, લોકસહકારથી યાયાવર પક્ષીઓ સહિત સમગ્ર જીવ સૃષ્ટીનું જતન સંરક્ષણ શક્ય બનશે. ભારત વિશ્વના સૌથી મોટા જૈવ વિવિધતા ધરાવતા દેશ તરીકે છે. ભારતે જીવન સૃષ્ટીના સંરક્ષણ માટે હંમેશા દ્રષ્ટી, સમષ્ટી અને સૃષ્ટીનો મંત્ર અપનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે વિશ્વના ૧૩૦ દેશોના પક્ષીવિદો અને પ્રતિનિધિની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલી આ સમિટમાં ૩૨૫૦થી વધુ લોકોએ વિશ્વભરમાંથી નોંધણી કરાવી છે. આ સમિટ હજુ સુધીની સૌથી મોટી સમિટ છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને પર્યાવરણના જતન ઉપર શરૂઆતથી જ ખૂબ ભાર મુક્યો છે.

        ભારતે વિશ્વમાં પ્રથમવાર સૌરઉર્જાને પ્રતોસ્હાન આપવા હરિયાણામાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સનો પ્રારંભ કર્યો છે. જેમાં વિશ્વના અનેક દેશો જોડાઈ ચુક્યા છે. મોદીએ સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ અંગે એક અલાયદો વિભાગ શરૂ કરીને પર્યાવરણ જતન માટેની તેમની કટિબદ્ધતા દર્શાવી છે. જાવડેકરે એમ પણ કહ્યું હતું કે ભારત વન્ય પ્રાણી સૃષ્ટીની અનેક સ્થળાંતરિત પ્રજાતિઓનું ઘર છે. જેમાં સ્નો ચિત્તા, અમૂર, બારહેડગીઝ, બ્લેક નેટ્ડક્રેન્સ, દરિયાઈ કાચબાનો સમાવેશ થાય છે. કેન્દ્રિય મંત્રીએ જુદા જુદા વિષય પર માહિતી આપી હતી. ગીધની સંખ્યા ઘટી રહી છે તે માટે ભારત સરકાર તેમના સંરક્ષણ અને બચાવ માટે પણ જરૂરી પગલા લઈ રહી છે. સ્થળાંતરિત પ્રજાતિઓ પૃથ્વીને જોડે છે. તેમના ઘરમાં સ્વાગત કરીએ તે અમારો હેતુ છે. આ વખતે નવી થીમ રાખવામાં આવી છે. કાર્યક્રમમાં જુદા જુદા દેશોના પ્રતિનિધિઓ પહોંચ્યા છે.

(9:33 pm IST)