Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અનામત મુદ્દે હજુ પણ ઘણી બધી દુવિધા છતાં આવકાર

બિનઅનામત વર્ગ આંશિક રીતે સંતુષ્ટ થયો : અનામત વર્ગના લોકોનું આંદોલન જારી : વધુ એક માંગણી

અમદાવાદ,તા. ૧૭ : એલઆરડી ભરતીની સીટો વધારવામાં આવી હોવા છતાં કેટલીક નારાજગી હજુ પણ પ્રવર્તી રહી છે. એકબાજુ મહિલાઓ માટેની સીટોમાં વધારો કરવામાં આવ્યા બાદ બિનઅનામત વર્ગની મહિલાઓ આંશિક રીતે સંતુષ્ટ દેખાઈ રહી છે અને આંદોલનને હાલ સ્થગિત રાખવાની તૈયારી દર્શાવી છે. બિનઅનામત વર્ગના પ્રતિનિધિ દિનેશ બાંભણીયાએ આજે કહ્યું હતું કે સરકાર તરફથી રજુ કરવામાં આવેલી ફોર્મ્યુલા સ્વાગત રૂપ છે પરંતુ આમાં કોઈ ફેરફાર કરાશે તો ફરી આંદોલન કરવામાં આવશે. જો સરકાર કોઈપણ નિર્ણય કરે તો તેમના પ્રતિનિધિઓને જાણ કરે તેવી માંગ પણ તેમના તરફથી કરવામાં આવી હતી. બીજા બાજુ મહિલાઓની સીટોમાં વધારો કરવામાં આવતા પુરૂષ શિક્ષકો પણ આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. તેમના તરફથી સીટમાં વધારો કરવાની માંગ થઈ છે. બીજી બાજુ  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને મોડેથી વિગતવાર માહિતી આપી હતી.

          તેમણે કહ્યું હતું ક, જુના પરિપત્રને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે ઉમેદવારે ૬૨.૫ ટકા માર્ક મેળવ્યા છે તેમની ભરતી કરવામાં આવશે. બક્ષીપંચની બહેનોની ૧૮૩૪ના બદલે ૩૨૪૮ની ભરતી કરવામાં આવશે. આવી જ રીતે જનરલ કેટેગરીના ૮૮૩ અને એસટીના ૪૭૬ના બદલે ૫૧૧ ઉમેદવારની ભરતી કરવામાં આવશે. એલઆરડીની પહેલા ૯૭૧૩ બેઠકોમાં મહિલાની ૩૦૭૭ બેઠકો હતી જેમાં સરકારે ૨૧૫૦ બેઠકોનો વધારો કરીને ૫૨૨૭ બેઠકો કરી છે. બીજી બાજુ અનામત વર્ગના પ્રતિનિધિઓ હજુ પણ આંદોલનના મૂડમાં છે. બેઠકોના દોર હજુ પણ જારી છે.

(9:32 pm IST)