Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પ્રવાસન પ્રોત્સાહન માટે મહત્વના એમઓયુ થયા

આઇટીડીસી લિમિટેડની પહેલ

અમદાવાદ,તા. ૧૭ : પ્રવાસન મંત્રાલય(ભારત સરકાર)નાં નેજા હેઠળનું જાહેર ક્ષેત્રનું સાહસ ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઇટીડીસી) લિમિટેડ અને ગુજરાત સરકારે ભારતમાં પ્રવાસનમાં વૃદ્ધિને વેગ આપવાના પ્રયાસનાં ભાગરૂપે તાજેતરમાં જ બહુ મહત્વના સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો આશય ગુજરાત રાજ્યમાં મહત્ત્વપૂર્ણ સ્મારકોને ઇનોવેટિવ, ડેકોરેટિવ લાઇટિંગ અને ઇલ્યુમિનેશન તથા સાઉન્ડ એન્ડ લાઇટ શો માટે કન્સલ્ટન્સી સર્વિસ પ્રદાન કરવાનો છે. આ એમઓયુ પર આઇટીડીસીનાં સીએન્ડએમડી શ્રી જી કમલા વર્ધન રાવ અને ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત (ગુજરાત સરકાર)નાં ટૂરિઝમ કમિશનર અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેનુ દિવાને હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલ, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, ભારત સરકારનાં પ્રવાસન સચિવ શ્રી યોગેન્દ્ર ત્રિપાઠી અને ગુજરાત પ્રવાસન વિભાગ અને પ્રવાસન મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં પ્રવાસન મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસનને વિકસાવવાની આ બહુ મોટી તક છે, જે માટે રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા ઘણા વધારે કેન્દ્રો વિકસાવ્યાં છે. રાજ્ય સરકાર નવીન અને રચનાત્મક પગલાં દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા આઇટીડીસી સાથે કામ કરી શકે છે. કચ્છમાં ધોરડોમાં તા.૧૩થી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી એક ઇવેન્ટનું આયોજન થયું હતું, જેમાં પ્રવાસન ક્ષેત્રમાં સ્થાનનું વ્યવસ્થાપન અને સામુદાયિક ભાગીદારીનાં મહત્ત્વ પર ચર્ચા થઈ હતી. આ ઇવેન્ટમાં સરકારી અધિકારીઓ, પ્રવાસન ઉદ્યોગ, ખાનગી ક્ષેત્રનાં ઉદ્યોગસાહસિકો વગેરેએ વિવિધ સત્રોમાં વક્તવ્યો આપ્યાં હતાં તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત કેસ સ્ટડીઝ, શ્રેષ્ઠ પદ્ધતિઓ પ્રદર્શિત કરી હતી. આ બેઠકમાં વિભાવનાઓ અને ફ્રેમવર્ક, અભિગમો, અમલીકરણમાં પડકારો અને આ પ્રકારની પહેલોની સમાજ અને સંપૂર્ણ અર્થતંત્ર પરની અસરો વિશે સમજણ પ્રદાન કરવામાં આવી હતી.

 

(9:25 pm IST)