Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રવિ મિશ્રા સ્મુલે મિરચી કવર સ્ટારમાં વિનર રહ્યા

૧૮,૦૦૦થી પણ વધુ એન્ટ્રી આવી

અમદાવાદ, તા.૧૭ : સ્મુલ મિરચી કવર સ્ટાર સિઝન ટુનાં કારણે બોલીવુડ સંગીત જગતને નવો તાજો યુવા ચહેરો પ્રાપ્ત થયો છે. રેડિયો મિરચી દ્વારા સ્મુલે એપનાં સહયોગમાં શરૂ કરવામાં આવી સ્મુલે મિરચી કવર સ્ટારની બીજી સિઝનમાં રવિ મિશ્રા વિજેતા બન્યા છે. સ્મુલે મિરચી કવર સ્ટાર સિઝન ટુમાં ભારતનાં વિવિધ ભાગોમાંથી ૧૮,૦૦૦થી પણ વધુ એન્ટ્રીઓ આવી હતી. મોટા શહેરોથી લઈને નાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલી એન્ટ્રીઓમાં ભાગ લઈ રહેલાં ઉમેદવારોએ પોતાની વૈવિધ્યકૃત પ્રતિભા પ્રદર્શિત કરી હતી.

   બહુ જ રોમાંચક અને લોકપ્રિય એવી આ સ્પર્ધામાં ઉમેદવારે સ્મુલે એપને ડાઉનલોડ કરીને ઉપલબ્ધ ગીતોને રેકોર્ડ કરીને મોકલવાના હતા. સ્મુલે એપને કારણે ઉમેદવારોની નોંધણી સરળ બની હતી. ૧૮,૦૦૦ એન્ટ્રીઓમાંથી ૫૦ ફાયનાલિસ્ટોને પસંદ કરવામાં આવ્યા હતા અને સ્મુલે મિરચી કવર સ્ટાર વેબસાઈટ મીરચીકવરસ્ટાર.કોમ પર તેમના ગીતોને પબ્લીક વોટીંગ અને સોશ્યલ એન્ગેજમેન્ટ માટે અપલોડ કરવામાં આવ્યા હતાં. પસંદગીની ૫૦ એન્ટ્રીઓમાંથી પાંચ ફાયનાલિસ્ટોને પબ્લીક વોટને આધારે પસંદ કરવામાં આવ્યા હતાં. આ પાંચ ફાયનાલિસ્ટોએ મીત બ્રધર્સ, શિલ્પા રાવ અને બ્રજેશ શાંડિલ્ય જજની પેનલ સમક્ષ પરફોર્મ કર્યું હતું. ટોચનાં પાંચ ફાયનાલિસ્ટોમાં શિરડીનાં અજય જગતાપ, ગુડગાંવની સાક્ષી શર્મા, બેંગ્લોરનાં સૌરજિત ઘોષ અને મુંબઈનાં રવિ મિશ્રા તેમજ અનાસ વહાબનો સમાવેશ થયો હતો. જજીઝ સમક્ષ લાઈવ ઓડિશન્સ બાદ મુંબઇના રવિ મિશ્રાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. વિજેતા બનેલા રવિ મિશ્રાને રૂ. એક લાખનું રોકડ પારિતોષિક, ફુર્ટાડોસ સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્કોલરશીપ અને સ્મુલે મિરચી મ્યુઝિક એવોર્ડઝમાં પરફોર્મ કરવાની તક મળી છે. રવિ મિશ્રાને મીત બ્રધર્સ દ્વારા સ્મુલે મિરચી મ્યુઝિક એવોર્ડઝમાં પરફોર્મ કરવા માર્ગદર્શન આપવામાં આવશે. રવિ મિશ્રાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્મુલે મિરચી કવર સિઝન ટુ માં વિજેતા બનતા મને બહુ આનંદની લાગણી થાય છે. ગાયકો માટે આ ઘણું સારું પ્લેટફોર્મ છે તેમ હું માનું છું. જીવનમાં મળેલી એક નવી  તકને લઇ ઉત્સાહિત પણ છું.

(9:25 pm IST)