Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મુખ્યમંત્રી રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને અપાવી વધુ એક વૈશ્વિક સિદ્ધિ : વિશ્વનું સૌ પ્રથમ જંગલ સફારી પાર્ક શરૂ

અમદાવાદ : વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયા સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક પ્રાયોગિક ધોરણે ૧૮ ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક બાદ એક અનેક વિશ્વ વિક્રમ સર્જી રહ્યું છે ત્યારે વધુ એક વૈશ્વિક સિદ્ધિ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ હાંસલ કરી છે.

  સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ વચ્ચે લગભગ ૩૭૫ એકરમાં બનેલા જંગલ સફારી પાર્કને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અહીં બાળકો વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ સાથે રમી પણ શકશે. પ્રવાસીઓ માટે ખાસ પ્રકારની ઈ-કારની વ્યવસ્થા કરાઈ છે જેમાં બેસીને સફારી પાર્કની સફર કરી શકાશે તથા ૭૫ એકરમાં જાનવરો માટે ઘાસચારો પણ ઉગાડવામાં આવ્યો છે. કેવડિયા જંગલ સફારી પાર્કમાં રોજના ૧૦૦૦થી ૧૫૦૦ જેટલા પ્રવાસીઓ આવી શકશે.

  આ સફારી પાર્ક સ્થાનિક ૫૦૦થી વધુ આદિવાસીઓને રોજગારી આપશે. જો વાઈલ્ડ લાઈફનો લાઈવ અનુભવ કરવો હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા સફારી પાર્કની એક વાર મુલાકાત લેવી જ જોઈએ. અહીં તમને જંગલ જેવો જ અનુભવ થશે અને પશુ-પ્રાણી તમારી આસપાસ મુક્ત વિહરતા માણી શકાશે.

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં વર્લ્ડ ક્લાસ જંગલ સફારી પાર્કનો પ્રોજેક્ટ ગુજરાત વનવિભાગ દ્વારા માત્ર ૬ મહીનામાં પૂર્ણ કરવામાં આવ્યો છે. સેંન્ટ્રલ ઝુ ઓથોરીટી ન્યૂ દિલ્હીની મંજૂરી બાદ હવે પ્રાયોગિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ માટે વિશ્વકક્ષાનો સફારી પાર્ક ખુલ્લો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

 . સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક વિસ્તાર સાત અલગ-અલગ એલિવેશનમાં છે, જે એંન્ટ્ર્ન્સ પ્લાઝાથી વાઈલ્ડ એસ એંન્ક્લોઝર સુધી ફેલાયેલુ છે. જેમાં કુલ ૧૬ એંન્ક્લોઝરનો સમાવેશ કરેલ છે આ એંન્ક્લોઝરમાં જુદા-જુદા વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલા છે. સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક - કેવડીયા જંગલ સફારી પાર્ક કે જે ૩૭૫ એકરમાં ફેલાયેલું છે તે પાર્કમાં ૬૨ જાતનાં કુલ ૧૦૦૦થી વધુ પ્રાણી-પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી પાર્કની ટીકીટ ઓનલાઈન બૂક કરાવી શકાય છે. પ્રવાસીઓ ટીકીટ બારી પરથી પણ ટીકીટ ખરીદી શકે છે. સફારી પાર્કમાં ફરવા માટે ઈ-કાર સહિત અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

 ખાસ ઉલ્લેખનીય છે કે, અત્રે આવનાર પ્રવાસીઓ કુદરતી વાતાવરણ અને ખાસ વનવિસ્તારમાં ફરતા હોય તેવો અહેસાસ થઈ શકે એ બાબતને ધ્યાન રાખીને સમગ્ર સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. સફારી પાર્કનાં ૬ ઝોનમાં વિવિધ વિદેશી અને દેશી વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળચળ પ્રાણીઓ, સરિસૃપો સહિતનાં પ્રાણીઓ માટે વિવિધ વિભાગો બનાવવામાં આવ્યા છે. અહીં ભારત સિવાય સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશોમાંથી અલગ-અલગ પ્રજાતિનાં પક્ષીઓ-પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. સફારી પાર્કમાં સિંહ, વાઘ, દિપડા, જંગલી બિલાડી, સિવેટ જેવા પ્રાણીઓ હશે જ્યારે તૃણભક્ષી પ્રાણીઓ જેવા કે સાબર, ચિત્તલ, ભેખડા, બાર્કીંગ, ડીયર, બારાશીંગા, થામીન, ચૌશીંગા, ધુડખર, ચીંકણ, કાળિયાર, ગોરલ, માઉસ ડીયર પણ અહીં જોવા મળશે

   આ સાથે જ એક્ઝોટિક આફ્રિકા પ્રાણીઓ ઝીબ્રા, ઓસ્ટ્રીચ રહેશે. એક્ઝોટિક ઓસ્ટ્રેલિયા કાંગારૃ, ઈમુ પ્રાણીઓ પણ અહીં લાવવામાં આવ્યા છે. પક્ષીઘરમાં ભારતીય, કાજિયો, ઢોંક, કણસાર, ચમચો, સુરખાલ સફેદ મોર, જંગલી મુર્ગા, ફીઝન્ટ, પહાડી પોપટ, કાલીજ પીઝન્ટ રહેશે. એક્ઝોટિક એવયિરીમાં મકાવ, કકાટું, સનકોનુર, એમેઝોન પેરોટ, ઈક્લેટ્સ પેરોટ, બાજરીંગર, લવબર્ડ, બ્લેક સ્વાન, કોકાટેલ પણ સંગ્રહાલયમાં રાખવામાં આવશે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આંતરરાષ્ટ્રીય કક્ષાનું વધુ એક પ્રવાસન સ્થળ વિક્સાવવાના ભાગરૂપે અહીં નિર્માણ પામેલા સફારી પાર્કમાં દેશ-દુનિયાનાં જંગલોમાં જોવા મળતા તમામ પ્રાણી-પક્ષી અહીં એક જ સ્થળે પ્રવાસીઓને જોવા મળશે. પ્રવાસીઓ માટે સફારી પાર્કની ટીકીટ મેળવવાનો સમય સવારે ૮થી સાંજે ૫ વાગ્યા સુધીનો રહેશે અને ઝુ બંધ થવાનો સમય સાંજે ૬ વાગ્યાનો રહેશે. તો થઈ જાવ તૈયાર વર્લ્ડ ક્લાસ જંગલ સફારીની મજા માણવા એ પણ ઘર આંગણે..

(6:46 pm IST)