Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ખેડાના દુગારી નજીકથી વોચ ગોઠવીને પીકઅપ ડાલામાં લઈ જવાતા 4 પશુઓને ગૌરક્ષકના સભ્યોએ ઝડપી પાડ્યા

ખેડા:શહેરમાં ગુજરાત ગૌરક્ષકના સભ્યોએ આજે સવારના સુમારે દુગારી પાસે વોચ ગોઠવીને એક પીકઅપ ડાલામાં જારના પુળાની નીચે છુપાવીને કતલખાને લઈ જવાતા ચાર બળદો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જો કે એક બળદનું મોત નીપજ્યું હતુ. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ગુજરાત ગૌરક્ષકના સભ્ય ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ભરવાડ આજે સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘરે દુગારી ભરવાડની ઝોક ખાતે હાજર હતા ત્યારે ગૌરક્ષક સભ્યનો મોબાઈલ પર ફોન આવ્યો હતો કે, પીકઅપ મહિન્દ્રા ગાડી કે જેની પાછળ જારના પુળા ભર્યા છે તેની નીચે છુપાવીને ચાર બળદોને કતલખાને લઈ જાય છે. જેથી ગોપાલભાઈ પિતા તેમજ અન્ય સભ્યો સાથે ગામના પાટીયાએ વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન આઠેક વાગ્યાના સુમારે એક પીકઅપ ડાલુ રીંઝા ગામ તરફથી આવતાં તેેને વાહનની આડશ કરીને ઉભુ રાખવાની ફરજ પાડી હતી. તેમાંથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેમના નામઠામ પુછતાં હર્ષદભાઈ મગનભાઈ અમીન પટેલ (રે. સીંજીવાડા), રાજેશભાઈ પોપટભાઈ મકવાણા (રે. શેંથળી તા. જી. બોટાદ)તેમજ જીલુભાઈ ભગુભાઈ સારોલીયા (રે. શીવરાજપુરા, તા. રાજકોટ)ના હોવાનું ખુલવા પામ્યું હતુ.

પીકઅપ ડાલામાં તપાસ કરતા જારના પુળાની નીચે ૧૦ વર્ષની આશરાના ચાર બળદો મળી આવ્યા હતા જેઓેને અત્યંત ટુંકા દોરડાથી ખીચોખીચ ઉપરાઉપરી બાંધીને ખાવાપીવાની કે બેસવા ઉઠવાની કોઈ વ્યવસ્થા નહીં કરી હોય એકનું મોત થયું હતુ. ઘટનાની જાણ પોલીસને કરતાં તેઓ આવી ચઢ્યા હતા અને ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી.

(5:28 pm IST)