Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વડોદરાના એલ એન્ડ ટી સર્કલ પાસે કોર્પોરેટ હાઉસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા અફડાતફડી

વડોદરા: શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા કોર્પોરેટ હાઉસમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. શહેરના એલ એન્ડ સર્કલ પાસે આવેલા કોર્પોરેટ હાઉસના ચોથા માળ પર એસીમાં શોર્ટસર્કિટ થવાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાપ્ત વિગત અનુસાર કોર્પોરેટ હાઉસના ચોથા માળ પર ન્યુમેરેટ નામની એક સોફ્ટવેર કંપની આવેલી છે. આ કંપનીમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું, દરમિયાન એ.સીમાં શોર્ટસર્કિટ થવાના કારણે એકાએક આગ લાગી હતી.

ફર્નિચર હોવાના કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આગનું વિકરાળ સ્વરૂપ જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પાંચ જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ધુમાડાના કારણે ફાયર ફાઈટરોને આગ બુઝાવવામાં ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હોવાની જાણ થતા મ્યુનિસિપલ કમિશ્નર સમગ્ર ઘટનાની તાગ મેળવવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આજે રવિવાર હોવાના કારણે બિલ્ડીંગમાં આવેલી તમામ કોર્પોરેટ ઓફિસોમાં રજા હોવાથી સદનસીબે કોઈ જાનહાની ઘટના બની નથી.

(4:15 pm IST)