Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગુજરાતની રાજયસભાની ૪ બેઠકોની ચૂંટણી ર૬ માર્ચેઃ કોંગ્રેસમાં ભાંગફોડનો ભાજપનો ઈરાદો

શાંભુજી ટુંડિયા, લાલસિંહ વડોઇચ્યા, ચૂનીભાઇ ગોહેલ, મધુસુદન મિસ્ત્રી નિવૃત થાય છે : ભાજપને ત્રણ બેઠકો જીતવા વધારાના ૮ અને કોંગે્રસને વધારાના બે મતની જરૂર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૭ :. આગામી તા. ૨૬ ફેબ્રુઆરીથી  ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂકયુ છે. આ બજેટ સત્રમાં સરકારે ઘણાય મુદ્દાઓનો સામનો કરવાનો છે. જેમાં એક રાજ્યસભાની ચૂંટણીના પડકારનો સમાવેશ થાય છે. ૨૬ માર્ચે રાજ્યસભાની ૪ બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર હોવાનું જાણવા મળે છે.

આ બજેટ સત્રમાં રાજકીય રીતે ખુબ જ મહત્વની બાબત એ છે કે રાજ્યસભાની ચાર(૪) સભ્યોની ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપના ૩ રાજ્યો નિવૃત થાય છે જ્યારે કોંગ્રેસના ૧ સભ્ય નિવૃત થઇ રહ્યા છે.

ગત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યાના પ્રમાણમાં આ વખતે કુલ ૪માંની ૨ બેઠકો મળશે. આમ એક સભ્ય કોંગ્રેસને વધુ મળશે. જ્યારે ભાજપના ૩ હતા અને એક ઘટશે. હવે એ જોવાનુ રહ્યુ કે કોંગ્રેસમાંથી ભાજપ ક્રોસ વોટીંગ કરવી શકે છે કે ધારાસભ્યોનો તોડફોડ કરવામાં સફળતા મળે છે કે નહિ. એક બેઠક જીતવા માટે ઓછામાં ઓછા ૩૭ મતની જરૂર રહે. હાલ ભાજપ પાસે ૧૦૩ સભ્યો છે. તેને ૩ બેઠકો જીતવા માટે ૮ મત ઘટે છે. કોંગ્રેસ પાસે ૭૪ સભ્યો છે તેને બે બેઠકો જીતવા વધારાના બે મતની જરૂર રહે છે. કોંગ્રેસ પાસે બે બેઠકો જતી રોકવા ભાજપ અવનવા રાજકીય પ્રયોગો કરે તેવી શકયતા નકારાતી નથી. ૪ બેઠકોનું મતદાન એક સાથે થાય અને હાલની સંખ્યાબળની સ્થિતિ યથાવત રહે તો બન્ને પક્ષને બબ્બે બેઠકો મળવાપાત્ર છે.

ચાર સભ્યો જે નિવૃત થઇ રહ્યા છે તેમા ભાજપના શંભુજી ટુંડિયા, ચુનીભાઇ ગોહેલ (વેરાવળ), લાલસિંહ વડોદરીઆ અને મધુસુદન મિસ્ત્રીનો સમાવેશ થાય છે. અત્રે યાદ કરવાની વાત એ છે કે લાલસિંહ વડોદરીઆ જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચંૂટાયા હતા પરંતુ તેમને રાજ્ય સભાના સભ્ય બનાવવાના ખાત્રી અપાતા ભાજપમાં ગયા હતા.

હવે જોવાનુ રહ્યુ કે ગત રાજ્ય સભાની ચૂંટણીમાં ભાજપ મુખ્ય ઉમેદવાર ઉપરાંત વધારાના ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બળવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમને સફળતા મળી ન હતી. અને ભાજપને રાજકીય નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભાજપ કોઇ વધારાના ઉમેદવારને ચુંટણી લડાવવા માંગે છે કેમ તે જોવાનુ રહ્યુ.

(3:06 pm IST)