Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભારતમાં વન્ય આવરણમાં વધારો કરવાની ખૂબ જરૂર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મત

દેશમાં કુલ ભૌગોલિક વિસ્તારમાં ૨૧ ટકામાં વન્ય આવરણ છે : ચોક્કસ પ્રજાતિયોના રક્ષણ પર કેન્દ્રિત કાર્યક્રમોથી ખૂબ સારા પરિણામ મળ્યા વાઘ સંખ્યા વધીને બે ગણી થઈ : માઈક્રો પ્લાસ્ટીક પ્રદુષણ રોકવાની તૈયારી

અમદાવાદ, તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓની પ્રજાતિયોના સંરક્ષણ માટેની ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીનો વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ગાંધીનગર ખાતે શુભારંભ કરાવતા ભારપૂર્વક કહ્યું હતું કે ભારત દુનિયામાં સૌથી વધુ જૈવ વૈવિધ્યતા ધરાવતા દેશોમાંથી એક છે. દુનિયામાં કુલ ભૂમિ વિસ્તારમાંથી ૨.૪ ટકા હિસ્સા સાથે ભારત વૈશ્વિક જૈવ વિવિધતામાં આશરે ૮ ટકા યોગદાન ધરાવે છે. વડાપ્રધાને ભારતમાં નિર્ધારીત સમય કરતા પહેલા વાઘની સંખ્યા બમણી થઈ હોવાની પણ વાત કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે ભારત માઈક્રોપ્લાસ્ટીકના કારણે ફેલાતા પ્રદુષણને નાથવા માટે દરિયાઈ કાચબા નીતિ અને દરિયાઈ સ્થાઈ વ્યવસ્થાપન નીતિ અમલમાં લાવશે.મોદીએ કહ્યું હતું કે પ્રાચિન કાળથી વન્ય જીવોનું સંરક્ષણ અને આવાસ ભારતથી સાંસ્કૃતિક નીતિનો હિસ્સો રહ્યો છે  જે કરુણતા ભાવ અને સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે.

             ગાંધીજીના વિચારોથી પ્રેરણા લઈ અહિંસા અને પ્રાણીઓ તેમજ પ્રકૃતિના સંરક્ષણની નીતિનો ભારતના બંધારણમાં યથાયોગ અમલ કરવામાં આવ્યો છે. વડાપ્રધાને ભારતમાં વન્ય આવરણમાં વધારો કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે હાલમાં દેશમાં કુલ ભૌગોલિક વિસ્તારમાંથી ૨૧.૬૭ ટકા વિસ્તારમાં વન્ય આવરણ છે. ભારત કેવી રીતે સંરક્ષણ અનુકુળ જીવન શૈલી અને હરિત વિકાસ મોડલ દ્વારા ક્લાઈમેટ એકશનને સમર્થન આપે છે તેનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈલેકટ્રિક વાહનો, સ્માર્ટ સિટી અને જળ સંરક્ષણ માટે આજ કારણે આગ્રહ કરવામાં આવે છે. ભારત કેટલાક એવા દેશોમાંથી એક છે જેની કામગીરી તાપમાનમાં બે ડિગ્રી સેલ્સીયસ ઓછી વૃદ્ધિના પેરિસ સમજૂતિના લક્ષ્યને અનુરૂપ છે.

    વડાપ્રધાને ચોક્કસ પ્રજાતિયોના સંરક્ષણ પર કેન્દ્રિત કાર્યક્રમોથી એવા પરિણામ પ્રાપ્ત થયા છે તેનું વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે વર્ષ ૨૦૧૦માં ભારતમાં વાઘની સંખ્યા ૧૪૧૧ હતી જે ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત સમય કરતા પહેલા હાંસલ થઈ ગયું છે. વાઘની સંખ્યા હવે ૨૯૬૭ ઉપર પહોંચી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સીએમએસ કોપ ૧૩ લોકો દક્ષિણ ભારતમાં પરંપરાગત કોલામથી પ્રેરિત રહ્યા છે. સ્થળાંતર કરતા પક્ષીઓ માટે ભારત મધ્ય એશિયન ઉડાન માર્ગનો એક હિસ્સો છે. તેની નોંધ લેતા વડાપ્રધાને કહ્યું હતું કે મધ્ય એશિયન ઉડાણ માર્ગના પક્ષીઓ તેમના નિવાસ સ્થાનના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આગળ વધે છે. પક્ષીઓના સંરક્ષણ માટે રાષ્ટ્રીય એકશન પ્લાન તૈયાર કરાયો છે. એકશન પ્લાન તૈયાર કરવા ઈચ્છતા અન્ય દેશોને સુવિધા પુરી પાડવામાં ભારતને આનંદ થશે.

(9:36 pm IST)