Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રાષ્ટ્રીય પોલીસ અશ્વારોહણ સ્પર્ધામાં ગુજરાતે ડંકો વગાડયો

નરસિમ્હા કોમારના વડપણ હેઠળના અશ્વદળે હરીયાણાની સ્પર્ધામાં ૭ સુવર્ણ પદક-૧ કાંસ્ય પદક હાંસલ કર્યા : કપ્તાન પીઆઇ એમ.એસ.બારોટ તથા એસપી કક્ષાના કમાન્ડન્ટ ગૌરવ જસાણીએ આપેલ જીતનો મંત્ર સાર્થક

રાજકોટ, તા., ૧૭: તાજેતરમાં હરીયાણાના ભોંડસી ખાતે યોજાયેલી ૩૮મી  રાષ્ટ્રીય પોલીસ અશ્વારોહણ સ્પર્ધા અને માઉન્ટેડ પોલીસ ડયુટીમીટ-ર૦ર૦માં  ગુજરાત પોલીસના અશ્વદળે શ્રેષ્ઠતમ પ્રદર્શન  દ્વારા દેશભરમાં ગુજરાતને ગૌરવ અપાવી ૭ સુવર્ણ પદક અને ૧ કાંસ્ય પદક હાંસલ  કરતા તેમના પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. હરીયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચોટાલા દ્વારા ટીમ ટેન્ટ પેઇજીંગ માટેનું સુવર્ણ પદક ગુજરાતને એનાયત કરવામાં આવ્યું છે.

સિનીયર આઇપીએસ અને ગુજરાતના  આઇજી કક્ષાના પોલીસ મહા નિરીક્ષક (આયોજન) અને આધુનિકરણના વડા નરસિંમ્હા કોમારના વડપણ હેઠળના ગુજરાત  પોલીસના અશ્વદળને જે સિધ્ધી પ્રાપ્ત થઇ તેના કપ્તાન તરીકે અમદાવાદ અશ્વ તાલીમ શાળાના સુવર્ણ પદક મેળવનાર પીઆઇ એમ.એસ.બારોટ હતા જયારે ટીમ મેનેજર તરીકે એસઆરપી ગૃપ અમદાવાદના એસપી કક્ષાના કમાન્ડન્ટ ગોરવ જસાણી મેનેજર તરીકે હતા. તેઓએ તમામને જીતનો મંત્ર આપ્યો હતો.

ગુજરાતની આન-બાન અને શાનમાં વધારો કરનાર અધિકારીઓમાં પીઆઇ એમ.એસ.બારોટ(અશ્વ ગરૂડ) કચ્છ-ભુજના એએસઆઇ એન.એમ.તંબોડીયા (અશ્વ ગરૂડ) સુવર્ણ પદક, નડીયાદ (ખેડ)હેડ કોન્સ્ટેબલ જી.એચ.મેર સુવર્ણ પદક (અશ્વ બાબર) હેડ કોન્સ્ટેબલ બનાસકાંઠા આર.બી.ઠાકોર સુવર્ણ પદક (અશ્વ સુરી)   ભુજના એએસઆઇ આર.જે.યાદવ સુવર્ણ પદક (અશ્વ ચાંદની) એન.એમ.તંબોડીયા (ભુજ) સુવર્ણ પદક (અશ્વ રોશની) તથા અમદાવાદ ગ્રામ્યના હેડ કોન્સ્ટેબલ એચ.એન.પ્રજાપતીએ કાંસ્ય પદક (અશ્વ સુરી)નો સમાવેશ છે.

(12:03 pm IST)