Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પત્રકારત્વ ક્ષેત્રે મહાત્મા ગાંધી આદર્શ : નરહરિ અમીન

અમદાવાદમાં મીડિયા રાઇટિંગ સેમિનાર : વિષ્ણુ પંડયા, ડો. ચંદ્રકાન્ત મહેતા, સિદ્ધાર્થ પટેલ વગેરેની હાજરી

અમદાવાદમાં ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમીના સહયોગથી હિન્દી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ મીડિયા રાઇટિંગ સેમિનાર પ્રસંગે નરહરિ અમીન, વિષ્ણુ પંડયા, ડો. ચંદ્રકાન્ત મહેતા, એમ.એસ. પરિખ, દેવેન્દ્ર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

રાજકોટ, તા. ૧૭ : ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી હિન્દી સાહિત્યના પરિષદ, અમદાવાદના ઉપક્રમે 'મીડિયા રાઇટિંગ' સેમિનાર યોજાઇ ગયો, જેના ઉદ્ઘાટક હતા ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ અને હિરામણી સંસ્થા સંકુલના પ્રમુખશ્રી નરહરિભાઇ અમીન. મુખ્ય મહેમાન તરીકે અકાદમીના અધ્યક્ષશ્રી પદ્મશ્રી ડો. વિષ્ણુભાઇ પંડયા અને અતિથિવિશેષ તરીકે શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. અધ્યક્ષ તરીકે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ અને હિન્દી સાહિત્ય પરિષદના અધ્યક્ષ ડો. ચંદ્રકાન્ત મહેતા સતત હાજર રહ્યા હતાં.

ઉદ્ઘાટન પ્રવચનમાં શ્રી નરહરિભાઇ અમીને જણાવ્યું હતું કે, હું મીડિયા તજજ્ઞ નથી, પણ મીડિયાનો ચાહક અને પ્રશંસક છું. 'મારે મન પત્રકારત્વનો આદર્શ મહાત્મા ગાંધી છે. ગુજરાતમાં અકાદમીઓની સ્થાપનાનું નિમિત્ત બન્યાનો મને આનંદ છે. અતિથિવિશેષ શ્રી સિદ્ધાર્થભાઇ પટેલે મીડિયાનો દેશની સમસ્યાઓની પ્રસ્તુતિમાં મીડિયાના પ્રદાનની ચર્ચા કરી હતી. મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરતાં શ્રી વિષ્ણુભાઇ પંડયાએ લોકધર્મી પત્રકારત્વ અને અકાદમીઓના સાહિત્યિક પ્રદાનનો નિર્દેશ કર્યો હતો.

ડો. ચંદ્રકાન્ત મહેતાએ વૃત્તાંત નિવેદન અને સંપાદનનું કામ કેટલુ ગંભીર અને મહેનત માગી લે તેવું છે, તેની વિગતે ચર્ચા કરી હતી.

પાંચ બેઠકોમાં વિભાજિત પ્રસ્તુત પરિસંવાદમાં પ્રથમ બેઠકમાં પત્રકારત્વની પૃષ્ઠભૂમિ, દ્વિતિય બેઠકમાં મુદ્રિત માધ્યમ લેખન, તૃતિય બેઠકમાં પ્રસારણ માધ્યમ લેખન, ચતુર્થ બેઠકમાં વિવિધ માધ્યમલક્ષી લેખન અને અંતિમ બેઠક સમાપન બેઠક તરીકે આયોજિત થઇ હતી.

સમાપન બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી એમ.એસ. પરીખ તથા વરિષ્ઠ પત્રકારશ્રી દેવેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. વિવિધ બેઠકોના અધ્યક્ષ તરીકે ચિમનભાઇ પટલ પત્રકારત્વ સંસ્થાના ડિરેકટર અને વરિષ્ઠ પત્રકારશ્રી હરિદેસાઇ, હિન્દીના ખ્યાતનામ કવિ ડો. કિશોર કાબરા, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડો. સોનલબેન પંડયા, પી.આઇ.બી.ના એડિશનલ ડિરેકટરશ્રી ધીરજ કાકડીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતાં.

વિવિધ બેઠકોમાં શહેરના જાણીતા મીડિયા તજજ્ઞોનો લાભ શ્રોતાઓ અને ચિમનભાઇ પટેલ પત્રકારત્વ સંસ્થાના વિદ્યાર્થીઓને મળ્યો હતો. કુલ ૧૪ તજજ્ઞોએ આલેખ પ્રસ્તુત કર્યા હતા. ડો. ચંદ્રકાન્ત મહેતાએ 'પત્રકારિતા કયા હૈ ? ' તથા 'સાહિત્યિક પત્રકારિતા, ડો. સોનલ પંડયા (જનસંચાર માધ્યમો કી વિકાસયાત્રા), ડો. દિનેશ દેસાઇ (સોશ્યલ મીડિયા), મણિલાલ પટેલ (ગાંધીજી કી પત્રકારિતા), અજય ઉમટ (અખબારી લેખન), પ્રદીપ મલિક (સમાચાર લેખન), ડો. આલોડ ગુપ્તા (ગુજરાત કી હિન્દી પત્રકારિતા), ધીમંત પુરોહિત (ટેલિવિઝન લેખનઃ એક વિશિષ્ટ પ્રયોગ), ત્રિલોક સંઘાણી (પ્રસારણ માધ્યમ લેખન), ડો. દૃષ્ટિ પટેલ (ફિલ્મો એવં ધારાવાહિક કે લિયે લેખન), ડો. શિરીષ કાશીકર (સાહિત્યકાર  લેખન), ડો. હરીશ દ્વિવેદી (પુસ્તક સમીક્ષા) તથા વર્ષાબેન પારેખે (વિજ્ઞાપન લેખન), આલેખન પઠન કર્યું હતું. સમીક્ષકો તરીકે ડો. માલતીબેન દુબે, ડો. પુનિતા હર્ને તથા શ્રી અક્ષય આચાર્યે પોતાના વિચારો વ્યકત કર્યા હતા. આભારદર્શન જૈન અગ્રણી અને હિન્દી સાહિત્ય પરિષદના કોષાધ્યક્ષશ્રી સંતોષકુમાર સુરાણાએ કર્યું હતું. કાર્યક્રમનું પ્રભાવશાળી રીતે સંચાલન શ્રીમતી વર્ષાબેન પારેખે કર્યું હતું. તમામ સહભાગીઓને જસ્ટિસ (નિ) એમ.એસ. પરીખ તથા શ્રી દેવેન્દ્ર પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

(11:38 am IST)