Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમદાવાદ ઈવેન્ટનો ટ્રમ્પને રાજકીય લાભ થશે

કાર્યકાળનાં અંતિમ ચરણમાં તેઓ ભારત આવી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧૭ :. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યકાળના આખરી તબક્કામાં ભારત આવી રહ્યા છે. તેમના સ્વાગતમાં ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમમાં એક ભવ્ય સમારંભ આયોજીત થઈ રહ્યો છે. અમેરિકન રાજકારણ પર નજર રાખનારા નિષ્ણાતોનું કહેવુ છે કે આ ભવ્ય સમારંભ આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહેલા ટ્રમ્પને રાજકીય રીતે ફાયદાકારક બની શકે છે.

વોશિંગ્ટન ડીસીમાં રહેતા મગન પાનસુરીયાએ જણાવ્યુ 'ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે સારો તાલમેલ છે. અમેરિકાના હ્યુસ્ટનમાં ગયા વર્ષે થયેલ હાઉડી મોદી ઈવેન્ટમાં તે સ્પષ્ટ જોવા મળ્યુ હતુ. અમદાવાદમાં થનારો આ કાર્યક્રમ પણ ચોક્કસપણે મોદીના ટેકેદારોમાં ટ્રમ્પની અપીલને વધારશે. મોદીની જેમ જ ટ્રમ્પને પણ આ પ્રકારના કાર્યક્રમથી ફાયદો મળશે.'

હ્યુસ્ટનમાં થયેલ હાઉડી મોદી કાર્યક્રમમાં 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'નો નારો પોકારાયો હતો. વ્હાઈટ હાઉસે દિવાળી સમારોહમાં આ કેચલાઈનનો ઉપયોગ કર્યો હતો. જેને અમેરિકામા રહેતા ભારતીય સમુદાયે બહુ પસંદ કર્યો હતો.

ટેકસાસના એક એન્જીનીયર સોમેશ દાસગુપ્તાએ જણાવ્યુ 'અહીં રહેતા ગુજરાતી સમુદાયમાં પણ ટ્રમ્પ બહુ લોકપ્રિય છે. ટ્રમ્પની નીતિઓથી લઘુમતિઓ અને અપ્રવાસી સમુદાયમાં અસુરક્ષાની ભાવના જન્મી છે. જો કે તેમ છતા બિઝનેશ સમુદાય લગભગ તેમના સમર્થનમાં છે. તેની પાછળ ટ્રમ્પનું બિઝનેશને પ્રોત્સાહન આપનારૂ વલણ છે. ગુજરાતી સમુદાયનું અહીંની હોટલ ઈન્ડસ્ટ્રીમાં સારૂ એવું રોકાણ છે અને તેઓ નરેન્દ્રભાઈ મોદીના મોટા સમર્થક છે, એટલે તેમનું સમર્થન ટ્રમ્પ સાથે મહત્વનું છે.'

અમેરિકામાં રહેતો ગુજરાતી સમુદાય લાંબા સમયથી ભાજપાને સમર્થન આપે છે અને એટલે સુધી કે રાજ્યમાં ચૂંટણી દરમ્યાન આમાથી કેટલાક પ્રચાર કરવા માટે ભારત પણ આવે છે. ન્યુયોર્કમાં રહેતા દક્ષેશ પટેલે જણાવ્યુ કે અહીં રહેતા પ્રવાસીઓ માટે ઈમીગ્રેશન પોલિસી એક મહત્વનો મુદ્દો છે. જો કે ટ્રમ્પના પ્રવાસમાં અમને આ બાબતે કોઈ મોટી જાહેરાતની આશા નથી. દક્ષિણપંથી સમર્થકો માટે આ એક માત્ર મુદ્દો નથી. તેમના માટે હિન્દુત્વ અને ઓળખ એટલો જ મોટો મુદ્દો છે, જેટલો ભારતમાં છે. પાનસુરીયા અનુસાર ટ્રમ્પને જો આ પ્રવાસથી કોઈ ફાયદો નહી થાય તો તેનાથી તેમને કોઈ નુકસાન જવાની પણ શકયતા નથી.

(11:29 am IST)