Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ફકત માણસ (ઉગ્રવાદી)ઓ જ નહિ, મચ્છરો અને શ્વાનોથી પણ ટ્રમ્પનું રક્ષણ

અમેરીકન પ્રમુખ પર જૈસે મહમદ દ્વારા ગુજરાતમાં આતંકવાદી હુમલાના વાયરલ વિડીયોનું સતાવાર સમર્થન ભલે ન હોય તંત્ર દ્વારા અભિમન્યુના ૭ કોઠા વિંધવા જેવુ અભેદ સુરક્ષાચક્ર રચાયું: બે ડઝનથી વધુ IPS, ૬પ DYSPના માર્ગદર્શનમાં અધધ પોલીસદળ ખડેપગેઃ ગટરના ગંદા પાણીઓનું પરીક્ષણઃ ભુગર્ભ ગટરોની બોમ્બ સ્કવોડ દ્વારા ચકાસણીઃ બીએસએફનું બેકગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને બંદોબસ્તનું ઓવર ઓલ સુપરવીઝન સુપ્રત કરતા આશીષ ભાટીયા

રાજકોટ, તા., ૧૭: તા.ર૪ અને રપના  ભારત (અમદાવાદ)ની મુલાકાતે આવનાર  અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જૈસે મહમદ દ્વારા આતંકવાદી હુમલો થવાની સંભાવના દર્શાવતા વાયરલ વિડીયોના અહેવાલને તંત્ર સતાવાર સમર્થન ભલે ન આપતું હોય પરંતુ ગુજરાતના ઇતિહાસમાં કદી ન થયો હોય તેવો જડબેસલાક બંદોબસ્ત  રચવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉંધે માથે થવા સાથે અમેરીકન પ્રમુખનું રક્ષણ માત્ર માણસો (આતંકવાદી)થી જ નહી પરંતુ મચ્છરો અને ડોગ સહીતના પ્રાણીઓથી રક્ષણ કરવા સાથે ભુગર્ભ ગટરોમાંથી કોઇ પ્રવેશી ન જાય તે માટેની પણ તમામ તૈયારીઓ  કરી હોવાનું ટોચના સુત્રો જણાવે છે.

અમેરીકન સુરક્ષા તંત્ર અને તેના અંગરક્ષકો તથા એસપીજી વડા રાજીવ રંજન ભગત કે જેઓ ગુજરાત કેડરના અધિકારી છે તેમની મુલાકાત બાદ બંદોબસ્તના સુકાની અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાએ ઓવર ઓલ સુપરવીઝન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બીએસએફનું બેકગ્રાઉન્ડ ધરાવતા સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજય તોમરને સોંપવાનો નિર્ણય કર્યાનું પણ સુત્રો જણાવે છે. પોલીસ માટે રાહતની વાત એ છે કે લોકોમાં પણ ટ્રમ્પની મુલાકાત લઇ ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે અને સ્વયંભુ રીતે લોકો શિસ્તમાં રહી પોલીસને સહકાર આપી રહયા છે. એસપીજી વડા ફરી પાછા ગુજરાત મુલાકાતે તુર્તમાં આવનાર હોવાનું પણ બહાર આવ્યું છે. ં

સમગ્ર બંદોબસ્ત સ્કીમ દિલ્હીથી પીએમઓ અને સુરક્ષા સલાહકાર અજીત ડાભોલના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. ભુતકાળમાં બોમ્બ ધડાકાઓની તપાસ કરવા સાથે સીમીના સ્લીપર સેલના  આતંકવાદીઓને ઝડપી પાડનાર અમદાવાદ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાના સુચનથી સ્ટેડીયમ તરફ જતા ગટરના પાણીની પણ ચકાસણી મ્યુનીસીપલ કોર્પોરેશન મારફત કરવા સાથે બોમ્બ સ્કવોડ દ્વારા પણ ચકાસણી ચાલી રહી છે. આ કાર્યમાં ૭ જેટલી ટીમો સામેલ થઇ છે.

ગુજરાતના સૌથી મોટા આ બંદોબસ્તને ધ્યાને લઇ જગત જમાદાર એવા અમેરીકન પ્રમુખની સુરક્ષા માટે પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા દ્વારા બંદોબસ્તના સંકલન માટે ખાસ ચેનલ શરૂ કરવામાં આવી છે. કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા આ ચેનલ મેસેજ પાસ કરવામાં ખુબ જ ઉપયોગી થશે.

બે ડઝનથી વધુ સીનીયર-જુનીયર આઇપીએસ, ૬પ ડીવાયએસપી, ર૦૦ પીઆઇ, ૮૦૦ પીએસઆઇ અને અધધ સંખ્યામાં પોલીસ સ્ટાફ જવાનો આ બંદોબસ્તમાં ખડેપગે રહયા છે. લાખો લોકોની ભીડ ધ્યાને લઇ અભિમન્યુના ૭ કોઠા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(11:30 am IST)