Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

શ્વેત ક્રાંતિમાં બનાસ ડેરીનું મહત્વનું યોગદાન : વિજયભાઇ

બનાસકાંઠા જિલ્લાના સણાદરમાં દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્લાન્ટનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રીઃ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ, બનાસ ડેરી વિશ્વ કક્ષાની બનીઃ ચેરમેન શંકર ચૌધરી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે નવા દૂધ પ્લાન્ટનાં ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, કેન્દ્રીય પશુપાલન રાજ્યમંત્રી ડો. સંજીવકુમાર બાલિયા, સાંસદ પરબતભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.(૨૨.૧૦)

રાજકોટ,તા.૧૭: બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ડેરીના નવા પ્લાન્ટ સ્થાપવા માટે બનાસ ડેરીને અભિનંદન આપતા જણાવ્યું કે, દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનો મહત્ત્વનું યોગદાન છે. તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતાનું વિશેષ મહત્વ છે. સંસ્કૃતિને વરેલી આ સરકાર પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સક્રિય રીતે સંકલ્પબદ્ઘ છે. ઙ્ગમુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લાને ઙ્ગસુખી અને સમૃદ્ઘ બનાવવા સ્વ. ગલબાકાકાએ ઙ્ગરણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીની સ્થાપના કરી મોટી લોક સેવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં ૩૦ લાખ લીટરની ઙ્ગક્ષમતાવાળા નવા પ્લાન્ટની સ્થાપના માટે બનાસ ડેરીના નિયામક મંડળને અભિનંદન પાઠવુ છું. આ પ્લાન્ટથી આ વિસ્તારની ઝડપથી કાયાપલટ થશે. દૂધની સાથે સાથે બટાટા અને દાડમનું પ્રોસેસીંગ પણ અહીંથી થશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા પશુપાલન અને ઙ્ગકૃષિ ઉદ્યોગ ખૂબ અગત્યનો ફાળો ઙ્ગઆપશે.ઙ્ગ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે સરકાર સક્રિય અને સંકલ્પબદ્ઘ છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લા માટે મને વિશેષ પ્રેમ અને લાગણી છે. ૨૦૧૭માં બનાસકાંઠામાં આવેલા પૂરના સમયે આ જિલ્લામાં રહ્યો છું. આ જિલ્લાની પ્રજાની લાગણી અને ઙ્ગખુમારી મને હંમેશાં આકર્ષે છે. શિક્ષણ, કૃષિ, સિંચાઈ સહિત તમામ ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહે તે માટે સરકાર કટીબધ્ધ છે. તેમણે કહ્યું કે ખેડૂતો સુખી, તો ગામડુ સુખી, ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ઘ છે. હર હાથ કો કામ, હર ખેત કો પાની..એ ઙ્ગઆ સરકારનો મંત્ર રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આંતરરાષ્ટ્રીય કરાર RCEPના કાયદા પર સહી નહી કરી પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે જે બદલ પશુપાલકો વતી હું એમનો આભાર વ્યકત કરું છું. તેમણે કહ્યું કે પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સરકાર પશુપાલકોને પોતાના ગણી તમામ સહાય અને મદદ કરશે.

કેન્દ્રીય ડેરી અને ઙ્ગપશુપાલન રાજયમંત્રી શ્રી ડો. સંજીવકુમાર બાલિયાને જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી ઙ્ગનરેન્દ્રભાઇ મોદીનું સપનું ખેડૂતોની આવક બમણી કરવાનું છે. તેમણે ગુજરાતના સહકારી માળખાની પ્રશંસા કરતાં જણાવ્યું કે ગુજરાતના સહકારી માળખાથી ખૂબ ઝડપથી ખેડૂતોની આવક બમણી કરી શકાશે. તેમણે કહ્યું કે ગુજરાતનું સહકારી માળખું સમગ્ર દેશ માટે આદર્શ અને પ્રેરણાદાયી છે.

બનાસકાંઠાના સાંસદ સભ્ય શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, ઙ્ગતત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારના આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયમાં પશુપાલન અને ડેરી વિભાગ શરૂ કર્યો હતો એ જ ઙ્ગરાહે કેન્દ્રમાં પણ આ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. વર્તમાન કેન્દ્ર અને રાજય સરકાર ખેડૂતો અને પશુપાલકોના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે.

બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ઙ્ગચૌધરીએ જણાવ્યું કે, ઙ્ગઆપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જે બનાસડેરી પાંચ વર્ષ પૂર્વે ઙ્ગપશુપાલકોને મહિને ૨૩૦ કરોડનું ચુકવણું કરતી હતી તે હવે સરેરાશ ૬૩૦ કરોડનું ચુકવણું કરે છે. આજે બનાસ ડેરી વૈશ્વિક કક્ષાની ડેરી બની છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર બનાસડેરી ઙ્ગ૨૪૧ વેટરનરી ડોકટર ધરાવતી ઙ્ગડેરી છે. ઙ્ગમાણસની જેમ પશુને પણ આકસ્મિક સારવાર મળે તે માટે પશુ એમ્બ્યુલન્સની સુવિધા પણ બનાસ ડેરી આપે છે.

ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે સ્વ. ગલબાકાકાનું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે. કાંકરેજી ગાયોના સંવર્ધનને લીધે ઙ્ગરોજનું સરેરાશ ત્રણ-ચાર લિટર દૂધ આપતી ગાય હવે ૨૨ થી ૨૬ લિટર દૂધ આપતી થઇ છે. આમ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં બનાસકાંઠાએ ક્રાંતિ લાવી છે. તેમણે ઙ્ગકહ્યું કે, દૂધના પાઉડરના નિકાસ માટે મુખ્યમંત્રીશ્રીએ મદદરૂપ બની બનાસડેરીના પશુપાલકોને પગભર બનાવ્યા છે. ચેરમેન શ્રીએ કહ્યું કે, RCEP પર હસ્તાક્ષર ન કરી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઙ્ગપશુપાલકોના હિતમાં દૂધની આયાત ન ઙ્ગ ઙ્ગ થવા દીધી જેના લીધે આપણને દૂધના પુરતા ભાવ મળ્યા છે. તેમણે જણાવ્યું કે, સહકારી ક્ષેત્ર થકી દૂધ અને તેના ઉત્પાદનનો વ્યાપારમાં વધારો કરી ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી શકાય એમ છે. બટાકા પ્રોસેસીંગ પ્લાન્ટ માટે પણ કેન્દ્ર સરકારે ૩૦ કરોડ મંજૂર કર્યા છે ત્યારે પશ્યિમ બનાસકાંઠાનો આ ડેરી પ્લાન્ટ રોજગારીના પણ નવા દ્વાર ખોલશે.

મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લા રથમાં પશુપાલકોનું અભિવાદન ઝીલ્યું  હતું. પશુપાલકોએ પુષ્પવર્ષા કરી મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સર્વ શશીકાંતભાઇ પંડયા, શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી નાથાભાઇ પટેલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, GCMMF ચેરમેન  રામસિંહભાઇ પરમાર, ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, બનાસ બેંકના ચેરમેન  એમ.એલ. ચૌધરી, સુમુલના ચેરમેન રાજુભાઈ પાઠક, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અને હરજીવનભાઇ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી શંકરસિંહ રાણા,  અલ્પેશભાઈ ઠાકોર, શ્રી હિતેશભાઇ ચૌધરી, શ્રી દલસંગભાઈ પટેલ સહિત બનાસ ડેરીના નિયામક મંડળ, સહકારી અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:02 am IST)