Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

LRD અનામત વર્ગની મહિલાઓના આંદોલનને હવે આદિવાસી સમાજનું સમર્થન : પરિપત્ર રદ કરવા માંગ

અનામત વર્ગની આ માંગને બુલંદ કરવા આદિવાસી સમાજના લોકો જોડાયા

અમદાવાદ : અનામત વર્ગ ગમે તે ભોગ સરકાર વર્ષ 2018ના પરિપત્રને રદ કરે તેવી માંગ કરીને ઉગ્ર સુત્રોચ્ચાર કરી રહ્યો છે. તો અનામત વર્ગની આ માંગને બુલંદ કરવા માટે આદિવાસી સમાજના લોકો પણ જોડાયા છે. આદિવાસી સમાજના લોકોએ સરકાર પરિપત્ર રદ કરે તેવી માંગને સમર્થન આપ્યુ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગાંધીનગર ખાતે આદિવાસી સમાજ અનુસૂચતિ જાતિના ખોટા પ્રમાણપત્રો મેળવનાર અને ઇશ્યૂ કરનારાઓ સામે કાયદાકીય પગલા ભરાય તેવી માંગ કરી રહ્યો છે. તેઓએ અનામત વર્ગની મહિલાઓને સમર્થન આપીને આ આંદોલનને વધુ ઉગ્ર બનાવી દીધુ છે.

રાજ્ય સરકારે ભરતીની લ્હાણી કરી એવી જાહેરાત કરી કે એલઆરડીની ભરતીમાં વર્ષ 2018ના પરિપત્રને ધ્યાને નથી લેવાયો. પરંતુ સરકારની આ જાહેરાત અનામત વર્ગના ગળે ન ઉતરી અને છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ગાંધીનગરને ગજવતી અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારની આ જાહેરાત બાદ વધુ ઉકળી ઉઠી છે અને પરિપત્ર રદ કરવાની માંગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. ઉગ્ર સુત્રોચ્ચાર સાથે અનામત વર્ગની મહિલાઓની એક જ માંગ હતી કે સરકાર વર્ષ 2018ના પરિપત્રને ગમે તે ભોગે રદ કરે.

(10:22 pm IST)