Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

શિષ્યો દ્વારા ગુરૂને ચેઇન, ભેટ અને ચેકો આપી સન્માન કરાયું

સુરતમાં ૧૨ શિક્ષકોનું અનોખીરીતે સન્માન : ગુરૂઓના સન્માન માટે ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ અનોખો કાર્યક્રમ યોજીને સામાજિક પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડયું

અમદાવાદ,તા.૧૭ : દરેક વ્યકિતના જીવન અને કારકિર્દી ઘડતરમાં માતા-પિતા અને ગુરૂના બહુમૂલ્ય યોગદાન હોય છે. પરંતુ બહુ ગણ્યાગાંઠયા લોકો એવા હોય છે કે જેઓ  તેમના માતા-પિતા અને ગુરૂનું આ ઋણ સદાય યાદ રાખે છે અને હંમેશા તેઓને નતમસ્તક બની તેમના પરત્વેની કૃતજ્ઞતા વ્યકત કરતા રહે છે. મૂળ સુરતના પરંતુ હાલ અમેરિકા ખાતે ઓકલાહોમા સ્થાયી થયેલા જાણીતા મનોચિકિત્સક ડો. પરિન્દ સૂર્યકાંતભાઇ શાહ, હાઇકોર્ટના જાણીતા એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદી, સુરત મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.વાય.ભટ્ટ સહિતના વિવિધ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી જમાવી ચૂકેલા ૫૦થી વધુ શિષ્યો(વિદ્યાર્થીઓ) દ્વારા ૪૦ વર્ષો પછી ૧૧ શિક્ષકોનું સુરત ખાતે અનોખુ સન્માન કરવામાં આવ્યું હતું. જયારે એક શિક્ષક સુબોધ વકીલ ગુજરી ગયા હોવાથી એકત્ર થયેલા શિષ્યોએ તેમની પુત્રી સુજાતા વકીલને ચેક અર્પણ કરી સન્માન કરાયું હતું. પોતાના ગુરૂ-શિક્ષકો પ્રત્યે કંઇક આવી જ કૃતજ્ઞતા વ્યકત કરવા ડો.પરિન્દ શાહ અમેરિકાથી ખાસ ગુજરાતના સુરત ખાતે આવ્યા હતા. આ ૫૦થી વધુ શિષ્યોએ તેમને ભણાવનારા શિક્ષકોનું અનોખુ સન્માન કરી તેઓને ગ્રેટ ટીચર લખેલી સોનાની ચેઇન, અન્ય ભેટ-સોગાદ, પાંચ-પાંચ હજાર રૂપિયાના ચેક અર્પણ કરી અનોખું સન્માન કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. માત્ર સુરત જ નહી, સમગ્ર શિક્ષણજગતમાં આ ઘટનાની બહુ સુંદર નોંધ લેવાઇ રહી છે. પોતાના શિષ્ય દ્વારા સન્માનિત થયેલા શિક્ષકો પણ એક તબક્કે આટલો આદર અને માન પામી લાગણીસભર બન્યા હતા. સુરતના પીપલોદ ખાતે યોજાયેલા શિક્ષકોના અનોખા સત્કાર સમારંભમાં મેડિકલ કોલેજના ડો.પ્રોફેસર વાય.બી.મહેતા, ટી એન્ડ ટીવી હાઇસ્કૂલના શિક્ષક દિનેશ વૈદ્ય, શ્રીમતી ગાયત્રી દેસાઇ, કુમારી મયૂરા ઠક્કર, પ્રિન્સીપાલ ચીમનલાલ એલ.પટેલ, શ્રીમતી ગીરા તાંબાવાળા, શ્રી સી.જે.વીણ, ટી એન્ડ ટીવી મીડલ સ્કૂલના શિક્ષકો શ્રીમતી પૂર્ણિમા ચંદ્રકાંત ઝવેરી તથા શ્રીમતી ઇલાબહેન શુકલ સહિતના શિક્ષકોનો ઉપસ્થિત શિષ્યો અને તેમની પત્નીઓ દ્વારા બહુ આદર અને પ્રેમ સાથે લાગણી સ્વરૂપે ગ્રેટ ટીચર લખેલી દસ ગ્રામ સોનાની ચેઇન, અન્ય ભેટ અને રૂપિયા પાંચ-પાંચ હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રો.વાય.બી.મહેતા, શ્રીમતી પૂર્ણિમા ઝવેરી, શ્રીમતી ઇલાબહેન શુકલ અને દિનેશ વૈદ્યને ગ્રેટ ટીચરની સોનાની ચેઇન, જયારે અન્ય શિક્ષકોને અન્ય ભેટ અને પાંચ હજારના ચેક અર્પણ થયા હતા. આ પ્રસંગે અમેરિકાના જાણીતા મનોચિકિત્સક ડો.પરિન્દ શાહ, જાણીતા ધારાશાસ્ત્રી કુમારેશ કે.ત્રિવેદી, સુરત મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.વાય.ભટ્ટ, ડો.વિપુલ ત્રવેદી, ડો.હીના શેટ, ડો.વિનોદ પટેલ, ડો.મહેશ પટેલ, ધીરેન થરનારી સહિતના વિદ્યાર્થીઓએ પોતાના ભૂતકાળના વિદ્યાર્થીકાળના દિવસો વાગોળી ઉપરોકત શિક્ષકોના મહાન યોગદાન અને નિઃસ્વાર્થ પ્રેમને બિરદાવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર માની તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરી તેમને શતત નમન કર્યા હતા. વિદ્યાર્થીઓના આટલા પ્રેમ, આદર અને લાગણી જોઇને શિક્ષકગણોની આંખોમાં એક તબક્કે હર્ષાશ્રુ આવી ગયા હતા અને તેમનું ઋણ નહી ભૂલનાર આવા મહાન વિદ્યાર્થીઓને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી તેઓને સફળ અને આરોગ્યમય જીવનના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ડો.પરિન્દ શાહ અને જાણીતા ધારાશાસ્ત્રી કુમારેશ કે.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દરેકના જીવનમાં માતા-પિતા પછી જીવન ઘડતરમાં શિક્ષકોનું બહુમૂલ્ય યોગદાન હોય છે અને તેને કયારેય ભૂલી શકાય નહી. ૪૦ વર્ષ પછી પોતાના શિક્ષકોને યાદ કરી તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરવાની આ ઘટના વિરલ, અદ્ભુત, ઐતિહાસિક અને સામાજિક પ્રેરણારૂપ બની રહેશે.

 

 

(9:30 pm IST)