Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહિદોની શહાદતને વંદનઃ આર્થિક મદદની જાહેરાત

સુરત: સીઆરપીએફના 40થી વધુ જવાનો પુલવામામાં નાપાક પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના હુમલામાં શહીદ થયા હતા. દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. સાથે મદદ માટે પણ હાથ આગળ વધારવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ શહીદોની શહાદતને વંદન કરવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ બે મિનીટનું મૌન ધારણ કરી શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.

આ સાથે જ શહીદોના પરિવારોને આર્થિક મદદ કરવા માટેની જાહેરાત પણ કરી હતી. જેમાં ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા 5 લાખ રૂપિયાની સહાય જાહેરાત કરવામાં આવી હતી. તો અન્ય ઉદ્યોગકારોએ પોતાની રીતે પણ આર્થિક મદદની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં 11 લાખનું ભંડોળ ભેગુ કરવામાં આવ્યું છે, જ્યારે 25 લાખનું ભંડોળ ભેગું કરવાનું આયોજન છે.

પુલવામામાં નાપાક પાકિસ્તાન સ્થિક આતંકવાદીઓના હુમલામાં 44 જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. તમામ દેશવાસીઓ આ શહાદતને દિલથી યાદ કરી શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલી આપી રહ્યાં છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ અને સહિતના કોંગ્રેસના અલગ અલગ યુનિટો દ્વારા મૌન રેલી કાઢી સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે મીણબતી સળગાવી વિર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. તો યુથ કોંગ્રેસ દ્વારા પાકિસ્તાન અને આતંકવાદીઓનાં પુતળાનું દહન કરી રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દેશવાસીઓ નાત-જાત, જ્ઞાતિ અને ધર્મ ભૂલ હાલ શહીદો અને તેના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં મેમણ સમાજ દ્વારા ભાગા તળાવ વિસ્તારથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મેમણ સમાજના આગેવાનો અને લોકો જાડાયા હતા. કેન્ડલ માર્ચ જે રસ્તે નીકળી હતી. ત્યાં તમામ દુકાનો સ્વેચ્છિક રીતે બંધ કરવામાં આવી હતી.

કેન્ડલ માર્ચ ભાગા તળાવથી નીકળી ચોકબજાર સ્થિત ગાંધી પ્રતિમાં સુધી પહોંચી હતી. કેન્ડલ માર્ચમાં હાજર તમામ લોકોએ એક સૂરમાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાન અને તેને મદદ કરી રહેલા આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવે, જરૂર હોય તો ઇંટનો જવાબ પથ્થરથી આપવાનું લોકો કહી રહ્યાં હતો.

(5:34 pm IST)