Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ડાકોર મંદિરમાં મેનેજરને મંદિરની બહાર પાંચ વ્યક્તિએ માર મારી ઈજાગ્રસ્ત કરતા ચકચાર

ડાકોર:માં આવેલ રણછોડજી મંદિરની ટેમ્પલ કમિટીમાં ફરજ બજાવતા મેનેજરને ગઈકાલે મંદિરની બહાર પાંચ વ્યક્તિઓએ મારમારી ઈજા કરી હતી. આ બનાવે ભારે હોબાળો મચાવ્યો હતો. ઈજાગ્રસ્ત મેનેજરે આજે પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ લખાય છે ત્યારે ડાકોર પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ઘરી છે.   અંગે મળતી માહિતી મુજબ ડાકોર રણછોડજી મંદિરના મેનેજર રૂપેશભાઈ પરસોત્તમભાઈ શાસ્ત્રી (મુળ રહે-અમદાવાદ, હાલ રહે-ડાકોર) ગઈકાલે પોતાના ક્વોર્ટસમાંથી નીકળીને મંદિર તરફ જતાં હતાં તે વખતે મંદિરના સેવક કમલેશભાઈ ઈન્દુભાઈ સેવક અને જયંતભાઈ ઈન્દ્રપ્રસાદ સેવક (ધીમંતભાઈ) તેમને અટકાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે તમોએ ધીમંતભાઈની કેબિનમાં તાળા કેમ માર્યા...? આ મુદ્દે તેમની સાથે તૂ-તૂ.... મેં-મેં થઈ હતી. અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર બનતાં તેમનું ઉપરાણું લઈ વિષ્ણુપ્રસાદ જયંતિભાઈ સેવક, કમલેશભાઈ સેવક અને આશીષભાઈ જયંતિભાઈ સેવક આવી ચઢ્યાં હતાં અને મારામારી શરૂ કરી હતી. આ મુજબની ફરિયાદ રૂપેશ શાસ્ત્રીએ ડાકોર પોલીસમાં આપતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.  અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણાં સમયથી સેવક ભાઈઓ તેમજ મેનેજર રૂપેશ શાસ્ત્રી વચ્ચે કોઈને કોઈ મુદ્દે વિવાદ ચાલે છે. આ વિવાદને લઈ ગઈકાલનો બનાવ બન્યો હોવાનું કહેવાય છે. જો આ વિવાદનો અંત આવનાર સમયમાં નહિ આવે તો આનાથી પણ મોટા બનાવ બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

(6:09 pm IST)