Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

અમદાવાદમાં ડુપ્લીકેટ નંબર પ્લેટનું કૌભાંડ

પોલીસે ડિટેઇન કરેલા બાઇકથી પર્દાફાશઃ ૬ હજાર બાઇક જપ્ત

રાજકોટ તા. ૧૭ : અમદાવાદમાં ડુપ્લીકેટ નંબર પ્લેટનું કૌભાંડ ઝડપાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ડિટેઇન કરેલા બાઇકની તપાસ કરતા પર્દાફાશ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઇ-મેમો સિસ્ટમના સસ્પેન્શન બાદ સીસીટીવી કેમેરા કરતાં ફિઝિકલ વ્હિકલ વેરિફિકેશનમાં પોલીસને વધુ સફળતા મળી છે. ઇ-મેમો સિસ્ટમ ૫ મહિના સુધી કાર્યરત હતી. રાઇડર્સ પાસે યોગ્ય પેપર ન હોવાથી છેલ્લા ૧૫ દિવસમાં ૬૦૦૦ જેટલી બાઇક જપ્ત કરવામાં આવી. એડિશનલ પોલીસ કમિશનર અશોક યાદવે કહ્યું કે, એક અઠવાડિયા બાદ પણ પોતાનું બાઇક હોવાનો કોઇએ કલેઇમ કર્યો નથી, જેને પગલે બાઇકનું વેરિફિકેશન શરૂ કરતાં જાણવા મળ્યું કે મોટા ભાગના બાઇક ખોટા રજિસ્ટ્રેશન નંબરથી રજિસ્ટર હતાં.

એડિશનલ કમિશનર અશોક યાદવે કહ્યું કે ઇ-મેમો સિસ્ટમ કાર્યરત હતી ત્યારે ફિઝિકલ વ્હિકલ વેરિફિકેશન એટલા વ્યાપક પ્રમાણમાં નતુ થતું અને ચેઇન સ્નેચિંગ કે અન્ય ક્રાઇમમાં સંડોવાયેલા ક્રિમિનલને પકડવા માટે પોલીસ સીસીટીવી કેમેરા પર આધાર રાખતી હતી.

એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, આરોપીઓએ છટકવાનો રસ્તો શોધી લીધો હતો. તેમણે ખોટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાનું અને સીસીટીવીથી ચહેરો છૂપાવવા માટે હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દીધું હતું. જેથી તેઓ સીસીટીવીમાં પકડાય જાય છતાં તેમની ઓળખ થવી અશકય રહેતી હોય છે. સપ્ટેમ્બર ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૧૮ સુધી ઇ-મેમો સિસ્ટમ કાર્યરત હતી, આ સમયગાળા દરમિયાન દરરોજના ૨-૩ ચેઇન સ્નેચિંગ કિસ્સા બનતા હતા. જો કે ઇફેકિટવ વ્હિકલ ચેકિંગ કર્યા બાદ ૬૦૦૦ બાઇક ડિટેઇન કરવામાં આવી અને ચેઇન-સ્નેચિંગના કેસ ઘટીને અઠવાડિયાના ૧-૨ થઇ ગયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અપરાધીઓની ક્રાઇમ પેટર્ન જાણવા માટે ખાસ કરીને પશ્યિમ અમદાવાદમાં તેઓ એક સર્વે હાથ ધરી રહ્યા છે.

કેવી જગ્યાઓમાં ચેઇન સ્નેચિંગ, વ્હિકલની ચોરી તથા લૂંટની ઘટનાઓ થાય તે શોધી કાઢવામાં આવશે. વિવિધ જિલ્લામાંથી બોલાવેલી પોલીસની ટીમે સર્ચ દરમિયાન ૨૦ જેટલા અન્ય ડિસ્ટ્રીકટના આરોપીઓની ઓળખ કરી લીધી છે.

(1:40 pm IST)