Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સોમવારથી વિધાનસભા સત્રઃ ધબધબાટીના એંધાણ

૧૪મી વિધાનસભાનું પ્રથમ સત્રઃ મંગળવારે નીતિન પટેલ બજેટ રજુ કરશેઃ મોંઘવારી, સળગેલી મગફળી, પાટણમાં દલિતનું આત્મવિલોપન, પાણી પુરૂ પાડવામાં સરકારની નિષ્ફળતા વગેરે મુદા આક્રમક રીતે ઉઠાવશુઃ પરેશ ધાનાણી

ગાંધીનગર તા.૧૭ : ગુજરાતમાં નવી ચૂંટણી પછી ૧૪મી વિધાનસભાના પ્રથમ સત્રનો તા.૧૯ સોમવારે બપોરથી રાજયપાલના પ્રવચન સાથે પ્રારંભ થઇ રહ્યો છે. બીજા દિવસે તા.ર૦મીએ નાણા ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ બજેટ રજુ કરશે. કોંગ્રેસ વિવિધ પ્રશ્ને આક્રમકતાથી સરકારનો જવાબ માંગશે તેવી જાહેરાત વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કરી છે.

 

સત્ર પ્રારંભ પુર્વે આજે ગૃહના અધ્યક્ષ પદ માટે વડોદરાના ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફોર્મ ભર્યુ છે. તેઓ બીનહરીફ ચૂંટાય તેવા સંજોગો છે. કોંગ્રેસે ઉપાધ્યક્ષ પદ માંગયુ છે. પ્રથમ દિવસે રાજયપાલનું પ્રવચન અને શોકદર્શક ઉલ્લેખો થશે.

 

ર૮ માર્ચ સુધી ચાલનારા વિધાનસભા સત્રમાં ૬ જેટલા વિધેયકો રજુ થશે. પ્રશ્નોતરીના ર૬ દિવસ છે ૪ દિવસ બજેટ પર ચર્ચા થશે. વિભાગથી માંગણીઓ પરની ચર્ચા ૧ર દિવસ ચાલશે.

કોંગ્રેસે કેગનો અહેવાલ સત્રના પ્રથમ દિવસે જ રજુ કરવાની માંગણી કરી છે ઉપરાંત ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં શંકાસ્પદ આગ, પાટણમાં કલેકટર કચેરીમાં દલિતનું આત્મવિલોપન, ઉનાળુ વાવેતર માટે નર્મદાનું પાણી આપવાની સરકારની પીછેહઠ, ખેડૂતોને પોષણક્ષમ ભાવનો અભાવ, પીવાના પાણીની તકલીફ,  વહીવટીમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ, યુવાનોને રોજગારીનો અભાવ વગેરે મુદે કોંગ્રેસે ગૃહ ગજાવવાનો મિજાજ દર્શાવ્યો છે. ગૃહમાં પ્રથમ દિવસથી જ ઘર્ષણ થાય તેવી શકયતા નકારાતી નથી.(૩-૬)

(12:15 pm IST)