Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સુરક્ષાજવાનોને 'ચૂંટણી ભથ્થું' મળ્યું નથી

મતદાન પૂર્ણ થતાં રૂ. ૭૦૦ની 'રોકડ'ને બદલે ભથ્થું બેંકમાં જમા કરાવવાના પ્રયોગથી વિલંબ

અમદાવાદ તા. ૧૭ : ગુજરાતમાં ભાજપની જ નવી સરકાર કામ કરતી ગઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ તેને બે મહિના વિતી ગયાં છે છતાં ઘણાં ખરાં સુરક્ષા કર્મચારીઓને ચૂંટણી ભથ્થું મળ્યું નથી. બીજા તબક્કાનું મતદાન તા. ૧૪-૧૨-૨૦૧૭ના રોજ હતું. નિયમાનુસાર મતદાન પૂર્ણ થાય તે સાથે જ પોલીસ, હોમગાર્ડસ અને અર્ધલશ્કરી દળના જવાનોને ચૂંટણીમાં સુરક્ષા કામગીરીનું ભથ્થું 'રોકડ'માં ચૂકવવાનું થાય છે. આ વખતે પહેલીવાર રોકડને બદલે બેન્કના 'સેલરી એકાઉન્ટ'માં પૈસા જમા થશે તેવી જાણકારી અપાઈ હતી. અમદાવાદ સહિત રાજયભરમાં દોઢ લાખ જેટલા પોલીસ, હોમગાર્ડસ અને અર્ધલશ્કરી દળના જવાનો બંદોબસ્તમાં હતાં. પણ, અડધાથી વધુ કર્મચારીઓને રજુ ભથ્થું ચૂકવવામાં આવ્યું નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. સરકાર બની ગઈ પણ ચૂંટણી ભથ્થું નહીં મળવાથી ચૂંટણી પંચની 'આધુનિક' કાર્યપદ્ઘતિ ચર્ચાનું કેન્દ્ર બની છે.

ડિસેમ્બર-૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન સુરક્ષા કામગીરીમાં રહેલા પોલીસ, હોમગાર્ડસ અને અર્ધલશ્કરી દળના જવાનોને એક દિવસના રૂ. ૩૫૦ ભથ્થું ચૂકવવાનું હતું. સુરક્ષા જવાનોને મતદાનના બે દિવસ દરમિયાન ફરજના સ્થળે સ્ટેન્ડ-ટુ રહેવાનું હોવાથી રૂ. ૭૦૦નું ભથ્થું ચૂકવવાનું થાય છે. જેમણે મતદાનના બન્ને તબક્કામાં સુરક્ષા કામગીરી કરી હોય તેવા પોલીસકર્મીને બમણી રકમ ચૂકવવાની થાય છે. મતદાન પૂર્ણ થતાં જ રોકડમાં ચૂકવણી કરવાના બદલે આ વખતે ફરજ ઉપર રહેલા પોલીસ, હોમગાર્ડ અને અર્ધલશ્કરી દળના જવાનોના સેલરી એકાઉન્ટના નંબર લઈ લેવાયા હતા. શિક્ષકો, મહેસૂલી અને અન્ય કર્મચારીઓના પૈસા જમા થઈ ગયાં છે. પણ, સુરક્ષા કામગીરી કરનાર દોઢે'ક લાખ કર્મચારીઓમાંથી અડધાથી વધુના સેલરી એકાઉન્ટમાં હજુ ભથ્થાંની રકમ જમા થઈ નહીં હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે. એવી કોમેન્ટ થઈ રહી છે કે, નવી સરકાર કામ કરતી થઈ ગઈ, હવે તો ભથ્થાંની રકમ ચૂકવો.(૨૧.૩)

(1:51 pm IST)