Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પોલીસે ફરિયાદ નહિ લેતા NSUI ના મહામંત્રી નિખિલ સવાણીએ ન્યાય માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા

અરજીમાં પોતાના પર થયેલા હુમલાનો ઉલ્લેખ: SITની રચના કરવાની પણ હાઈકોર્ટ સમક્ષ માંગણી કરી

અમદાવાદ : ABVPના કાર્યકર્તાઓની સામે પોલીસે NSUIના મહામંત્રી નિખિલ સવાણીની ફરિયાદ ન લેતા હવે નિખિલ સવાણીએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. નિખિલ સવાણીએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં પોતાના પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો છે અને સમગ્ર મામલે ABVPના પ્રદીપસિંહ વાઘેલા, યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલ અને ચિરાગ મહેતા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવના આક્ષેપ સાથે તેમની સામે 307ની કલમ અનુસાર ગુનો દાખલ કરવાનો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાથે-સાથે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે નિખિલ સવાણીએ અરજીમાં SITની રચના કરવાની પણ હાઈકોર્ટ સમક્ષ માંગણી કરી છે.

   સમગ્ર ઘટના 7 જાન્યુઆરીના રોજ અમદાવાદ પાલચટીમાં ABVP કાર્યાલય ખાતે NSUIના કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તે સમયે NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે પથ્થરમારો થયો હતો અને ABVPના કાર્યકર્તાઓએ NSUIના કાર્યકર્તાઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામા NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઇપ વડે મારવામાં આવ્યો હતો, જેના કારણે તે લોહીલૂહાણ થઇ ગયો હતો.

(9:53 pm IST)