Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ફરીથી તીવ્ર ઠંડી

નલિયા ઠંડુગાર : પારો ગગડીને ૩.૪ થયો : સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જોરદાર ઠંડીનું મોજુ ફરી વળ્યું ઠંડીથી બચવા તમામ પ્રયાસો : કોલ્ડવેવની ચેતવણી જારી

અમદાવાદ, તા.૧૭ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના તમામ વિસ્તારોમાં પારો ગગડીને ૧૦થી નીચે પહોંચી ગયો છે. આજે નલિયા ઠંડુગાર રહ્યું હતું જ્યાં લઘુત્તમ તાપમાન ૩.૪ ડિગ્રી રહ્યું હતું જ્યારે રાજકોટમાં પારો ૭.૬, સુરેન્દ્રનગરમાં ૯, મહુવામાં ૮.૯, કેશોદમાં ૭.૬, ડિસામાં ૧૦.૨, ગાંધીનગરમાં ૯.૮ અને વડોદરામાં ૯.૮ સુધી પારો રહ્યો હતો. ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ સમગ્ર ગુજરાતમાં લોકો કરી રહ્યા છે. ઠંડીથી બચવા માટે પણ જુદા જુદા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આજે કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગો ખાસ કરીને રાજકોટ, દ્વારકા અને કચ્છમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કોલ્ડવેવની ચેતવણીને લઇને તમામ લોકો સાવચેત બન્યા છે. બનાસકાંઠામાં પણ કાતિલ ઠંડીની સાથે સાથે કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજે ૧૦.૭ ડિગ્રી રહ્યું હતું. આવતીકાલે પારો ૧૨ ડિગ્રી સુધી રહી શકે છે.

          કોલ્ડવેવની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યા બાદ તમામ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે જેથી સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં વરસાદ પડતા ઠંડીનો ચમકારો વધી ગયો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે સાથે સતત ફેરફારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના  ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.

          હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીર અને હિમાચલના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાજારી રહેતા તેની આંશિક અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. કાતિલ ઠંડીથી અમદાવાદમાં જનજીવન ઉપર અસર થઇ છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

 સ્થળ

 લઘુત્તમ તાપમાન

 અમદાવાદ

 ૧૦.૭

 ડિસા

 ૧૦.૨

 ગાંધીનગર

 ૯.૨

 વીવીનગર

 ૧૦.૨

 વડોદરા

 ૯.૮

 સુરત

 ૧૨.૬

 ભાવનગર

 ૧૧.૪

 કેશોદ

 ૭.૬

 રાજકોટ

 ૭.૬

 સુરેન્દ્રનગર

 ૯

 મહુવા

 ૮.૯

 ભુજ

 ૮.૭

 નલિયા

 ૩.૪

 કંડલા એરપોર્ટ

 ૯.૬

(9:20 pm IST)