Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સ્માર્ટ સોસાયટીને ૧૦૦ ટકા સુધીની વેરામાં માફી અપાશે

બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત : કચરા, ઉર્જા બચત, પાણી બચત, વરસાદી પાણીના સંગ્રહ, વૃક્ષારોપણ સહિતના મુદ્દામાં સોસાયટીઓને સ્ટાર રેટિંગ

અમદાવાદ, તા.૧૭ : અમદાવાદ શહેરના ઇતિહાસમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા બહુ મહત્વની અને મોટી જાહેરાત કરવામાં આવી હતી કે, અમદાવાદ શહેરમાં કચરા, ઉર્જા બચત, પાણીની બચત, વરસાદી પાણીના સંગ્રહ, વૃક્ષારોપણ સહિતના મુદ્દાઓમાં સારી અને નોેંધનીય કામગીરી કરનાર સોસાયટીઓને સ્ટાર રેટીંગ અપાશે અને તેના આધારે તેમની પસંદગી કરી આવી સોસાયટીઓને મિલકતવેરામાં ૧૦૦ ટકા સુધીની વેરામાં માફી અપાશે. અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર શરૃ થવા જઇ રહેલી આ અનોખી અને પ્રોત્સાહક પહેલ દેશના અન્ય શહેરો માટે પણ પ્રેરણારૃપ અને મોડેલરૃપ બની રહેશે. જો કે, અમ્યુકોની આ પ્રોત્સાહક યોજનાના કારણે આવી સ્માર્ટ સોસાયટીઓને વેરામાં ૧૦૦ ટકા સુધીની માફી આપવાના કારણે અમ્યુકોને રૃ.૧૦૦થી ૧૨૫ કરોડ સુધીની રકમ રિબેટ આપવાની થશે.

            આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ અમદાવાદના પાયામાં સ્માર્ટ સોસાયટીઓનું મહ્ત્વનું યોગદાન છે. જે સોસાયટી સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિકેન્દ્રિત ઘન કચરાનું વ્યવસ્થાપન, વિકેન્દ્રિત પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન, ઉર્જા બચત અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ, પાણીની બચત અને વરસાદી પાણીનો સંગ્રહ અને વૃક્ષારોપણ તેમ જ પર્યાવરણ જતનના અન્ય પગલાંઓ જેવા માપદંડો પરિપૂર્ણ કરશે તેવી સોસાયટીઓને સ્માર્ટ સોસાયટી જાહેર કરવામાં આવશે. જે સોસાયટીઓ આ માપદંડો પરિપૂર્ણ કરશે તેઓને ફાઇવ સ્ટાર સુધીનું રેટીંગ પણ આપવામાં આવશે.

           ફાઇવ સ્ટાર મેળવનારી આવી સ્માર્ટ સોસાયટીઓને મિલકતવેરામાં ૧૦૦ ટકા સુધીની માફી આપવામાં આવશે, ચાર સ્ટાર મેળવનારી સ્માર્ટ સોસાયટીઓને મિલકતવેરામાં ૫૦ ટકા સુધીની માફી અપાશે, જયારે થ્રી સ્ટાર મેળવનારી સ્માર્ટ સોસાયટીઓને મિલકતવેરામાં ૨૫ ટકા સુધીની માફી અપાશે. એટલું જ નહી, આ તમામ માપદંડો પરિપૂર્ણ કરવા માટે સ્માર્ટ સોસાયટી બનવા ઇચ્છતી સોસાયટી અને તેના સભ્યોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહીવટી, યાંત્રિક સહિતની તમામ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.ઉપરાંત, સોસાયટીઓને રૃ.પાંચ લાખ સુધીનું ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીન પણ આપવામાં આવશે.

(8:56 pm IST)