Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

આણંદમાં રોકડીયા હનુમાનજી નૂતન મંદિરનું ઉદઘાટનઃ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ભારે આકર્ષણ

પાંચ દિનાત્મક મહોત્સવમાં ધામેધામથી સંતોનું આગમનઃ ભાવિકો ઉમટે છે

રાજકોટ, તા.૧૭: આણંદના વિશ્વવિખ્યાત શ્રી રોકડીયા હનુમાનજી મહારાજ મંદિરના ઉદઘાટન સમારોહનો ભવ્ય પ્રારંભ થયો છે. શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના આ અદ્વિતીય એવા હનુમાનજી મંદિરનું ઉદઘાટન દીપ પ્રાગટય દ્વાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી તથા સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું. સ્વામીનારાયણ ગુરૂકુળ કણભાના છાત્રોએ અતિ સુંદર આકર્ષક સ્વાગત રજુ કર્યુ હતું.

શ્રી રોકડીયા હનુમાનજી મંદિરના કોઠારી પૂજય સ્વામી શ્રી સત્સંગ ભૂષણ દાસજીસ્વામી રાજકોટ ગુરૂકુળના મહંત પૂજય શ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી સત્સંગ મહાસભાના અધ્યક્ષ શ્રી નવતમ પ્રકાશ દાસજી સ્વામી પ્રકાર સ્વામી પૂજય સ્વામી ગઢડા ટેમ્પલ બોર્ડના ચેરમેને પૂજયશ્રી હરિ જીવનદાસજી સ્વામી તથા ધામોધામથી  આવેલા પૂજનીય સંતો ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઉદઘાટન પહેલા આણંદના ટાઉનહોલ ખાતેથી અતિ આકર્ષક અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં દેશ-વિદેશના હજારોની સંખ્યામાં હરિભકતોએ ભાગ લીધો હતો.

પાંચ દિવસ ચાલનારા મહોત્સવનું સૌથી વધારે વિશેષ આકર્ષણ જો હોય તો તે છે લાઇટ અને સાઉન્ડ શો શ્રી મહાબલિ હનુમંત ગૌરવગાથા નામના લાઇટ એન્ડ સાઉન્ડ શો શ્રી મહાબલિ હનુમંત ગૌરવગાથા નામના લાઇટ એન્ડ શો માં ૧૬૦૦ સ્કવેરફુટ એસી  ફુટ પહોળાઇ અને ૨૦ ફુટ ઉંચાઇ ધરાવતા આધુનિક સ્કીન દ્વારા  ઉપયોગ કરીને આણંદ જિલ્લામાં સૌપ્રથમ વાર આવા શોનું આયોજન થયું છે.

શ્રી નારાયણ ગુરૂકુળ કણભાના ૧૬૦ કરતાં વધારે ગુજરાતી છાત્રો તેમજ મુંબઇ-અમદાવાદ ભુજ તથા અન્ય સ્થળોએથી આવેલા પ૦ જેટલા શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળના વિખ્યાત આર્ટિસ્ટો દ્વારા આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં તનતોડ મહેનત પ્રેકિટસ અને અનુભવી દિગ્દર્શનના માધ્યમથી અદભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ લાઇટ એન્ડ શોનું સમગ્ર મહોત્સવ દરમ્યાન દરરોજ ત્રણ શોનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. રોકડીયા હનુમાનજી મંદિરના કોઠારી પૂ.સદગુરૂ શાસ્ત્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી, મંદિરના ટ્રસ્ટી શ્રી હરિકૃષ્ણ પટેલ તથા અન્ય આગેવાનોએ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને હિમાલય દર્શન અને પ્રદર્શનોનો લાભ લેવા માટે આણંદ તથા આસપાસના ગામો શહેરોના ભાવિક ભકતજનો અને વિશેષ તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે.

આશીર્વચનમાં પૂજય શ્રી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે સ્વામીનારાયણ ભગવાન દ્વારા પ્રસ્થાપિત રોકડીયા હનુમાનજી મંદિરના નિર્માણ કાર્યમાં સંપ્રદાયના બ્રહ્મનિષ્ઠ વચન સિદ્વ અને ધ્યાન નિષ્ઠ સંત પરમ પૂજય સદગુરૂ જ્ઞાની સ્વામીના સંત મંડળ, મંડળનું અમૂલ્ય યોગદાન છે. રાજકોટ ગુરૂકુળના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા પૂજય બાપુ સ્વામી તથા ગઢડા ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજય શ્રી હરિચરણદાસજી સ્વામીએ તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે સ્વામીનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે જેનું જેની સ્થાપના અને નામકરણ કર્યુ છે તેવા આ રોકડીયા હનુમાનજી મહારાજ ખૂબ પ્રભાવી છે અને ભકતોના  દુખ અને દર્દ અને સંકટો દૂર કરે છે.

શ્રી રામાયણ મહાગ્રંથમાં હનુમાનજી મહારાજના ચરિત્રોથી ભરપુર એવા સુંદરકાંડના પાઠનું આયોજન પૂજય ગુરૂજી શ્રી અશ્વિનભાઇ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

મહોત્સવમાં શ્રી રામચરિત માનસ પંચાન્હ પારાયણનો મંગલ પ્રારંભ થયો છે. તેમજ ૨૦૧ કુંડી શ્રી હરિ યાગ અખંડ હનુમાન ચાલીસાના પાઠ, બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

(3:41 pm IST)