Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

દૂધમાં ભેળસેળનું દુષણ અટકવવા ગામડે-ગામડે શરૂ કરાશે ઓપરેશન

ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે

અમદાવાદ : દૂધમાં ભેળસેળની ફરિયાદો વચ્ચે ચકાસણી મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શન મૂડમાં આવ્યું છે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. જેમાં દૂધ મંડળીઓને દૂધ પહોંચે તે પહેલા ગ્રામસ્તરે જ દૂધનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. દૂધ ઉત્પાદકો માપદંડોની જાળવણી કરે છે કે કેમ તેવું આ ચેકિંગી જાણવા મળશે. ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અનઓર્ગેનાઈઝ ડેરીઓમાં પણ તપાસ હાથ ધરશે.

  દૂધમાં ભેળસેળની ફરિયાદો અવાર-નવાર ઉઠતી હોય છે. આવી સ્થિતિએ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. જેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફૂડ સેફટી અને સ્ટાર્ન્ડડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) સાથે મળી ચેકિંગ હાથ ધરવામાં આવશે. અમુલ ડેરીમાં દૂધની ગુણવત્તા એફએસએસએઆઈના ધારા ધોરણ મુજબ છે કે નહીં તે ચેક કરવા માટે વ્યવસથા ગોઠવવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય સ્તરે જ્યારે દૂધ ઉત્પાદકો દૂધ મંડળીમાં આપે છે તે પહેલાનું ચેકિંગ જરૂરી હોય છે.

  આવા સંજોગોમાં દૂધની ગુણવત્તા મંડળી સુધી દૂધ પહોંચે તે પહેલા જ તપાસવાનું નક્કી કરાયું છે. દૂધમાં ભેળસેળના કારણે અનેક લોકોના જીવન પર જોખમ ઉભુ થતું હોય છે. સરકાર દ્વારા ભેળસેળ રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવે છે. પરંતુ તે પુરતા ન હોય તેવું જણાય રહ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાતનો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટી (એફડીસીએ) દ્વારા દૂધના ઉત્પાદકો પાસેથી સેમ્પલ લઈ તેમાં ભેળસેળ છે કે નહીં તે ચકાસવામાં આવશે.

 અત્રે ઉલેલ્ખનીય છે કે દૂધ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. ત્યારે દૂધ કેટલા ફેટનું હોવું જોઈએ તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. તાજેતરમાં ઓકસીડેટીવ મેડિસીન અને સેલ્યુલર લોંગવીટી જર્નલમાં પ્રકાશીત થયેલા અહેવાલ મુજબ દૂધનું ફેટ જેટલું ઓછુ હોય તેટલું સ્વાસ્થ્ય માટે સારૂ રહે છે. ઓછા ફેટના દૂધથી વ્યક્તિની ઉંમર ઝડપથી વધતી નથી. ઓછા ફેટનું દૂધ પીવાથી યૌવન જળવાઈ રહે છે. આ અભ્યાસ અમેરિકામાં ૫૮૩૪ લોકો પર થયો હતો.

(12:42 pm IST)