Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમદાવાદ કોર્પોરેશનનું પ્રોપર્ટી ટેકસમાં વધારા સાથે બજેટ રજૂ

મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૮૯૦૭.૩૨કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ : રહેણાંક મિલકતોમાં ૪૦ કરોડ, કોમર્શિયલમાં ૧૭૮ કરોડનો ટેક્સમાં વધારો સૂચવાયો : ૧૫ લાખથી વધુ કિંમતના વાહનોના ટેક્સમાં વધારાની દરખાસ્ત

અમદાવાદ,તા. ૧૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું રેવન્યુ ખર્ચ રૃ.૩૮૯૩.૩૨ કરોડ અને કેપીટલ ખર્ચ રૃ.૫૦૧૪.૦૦ કરોડ સાથેનું કુલ રૃ.૮૯૦૭.૩૨ કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં ફેકટર આધારિત નોંધનીય વધારો સૂચવ્યો છે, જેમાં રહેણાંકની મિલકતોમાં રૃ.૪૦ કરોડ અને કોમર્શીયલ મિલકતોમાં રૃ.૧૭૮ કરોડનો ટેક્સમાં વધારો સૂચવવામાં આવ્યો છે. આ સિવાય રૃ.૧૫ લાખથી વધુ કિંમતના લકઝુરીયસ વાહનો પર ત્રણ ટકા સુધીનો વધારો સૂચવવામાં આવ્યો છે, એટલે કે, રૃ.૧૫ લાખથી વધુની કિંમતના વાહનોમાં ૦.૭૫ ટકાનો વધારો સૂચવાયો છે. આમ, મોંઘાદાટ લક્ઝુરીયસ વાહનો પર રૃ.૨૬ કરોડનો વ્હીકલ ટેક્સનો વધારો નાંખવાની દરખાસ્ત ડ્રાફટ બજેટમાં રજૂ થઇ છે. આ વખતના બજેટમાં અમદાવાદના ઇતિહાસમાં સૌપ્રથમવાર બે નવી કંપનીઓ અમદાવાદ સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કંપની અને અમદાવાદ સ્પોર્ટ્સ પ્રમોશન કંપનીની જાહેરાત કરવામાં આવી હતી, જે બહુ સૂચક અને નોંધનીય કહી શકાય.

           મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા ફરી એકવાર અમદાવાદ શહેર માટે મસમોટી જાહેરાતો કરી ફુલગુલાબી બજેટ રજૂ કરાયું હતું. સૌપ્રથમવાર ન્યુ અમદાવાદ, ન્યુ ઇન્ડિયાની થીમ પર આ વખતનું બજેટ રજૂ કરાયું હતું. તેમણે આ બજેટની સાથે આગામી ૨૦૨૨ સુધીમાં અમદાવાદ શહેરને ગંદકી, ટ્રાફિક સમસ્યા, એર પોલ્યુશન, બિસ્માર રસ્તાઓ, ખાડાઓ, પીરાણાના કચરાના ઢગ, રખડતા ઢોર, આડેધડ પાર્કિંંગની સમસ્યાઓથી મુકિત મેળવી એક નવુ અમદાવાદ બનાવવાની મહત્વની જાહેરાત કરી હતી. તો, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વર્ષ ૨૦૨૦-૨૧માં રૃ.૯૬૮ કરોડના ખર્ચે શહેરમાં ૨૦ નવા ફલાયઓવર બ્રીજ બનાવવાની, રૃ.૧૫૨ કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રીજ અને રેલ્વે અંડરબ્રીજ બનાવવાની પણ અગત્યની જાહેરાત કરી હતી.

          મ્યુનિસિપલ કમિશનરે આગામી ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યાં સુધીમાં અમદાવાદ શહેરને વર્ષો જૂની સમસ્યા એવી પીરાણાના કચરાના ડુંગરમાંથી મુકિત અપાવવાની, અમદાવાદને ઇલેક્ટ્રીક મોબીલીટીમાં, ગ્રીન મોબીલીટીમાં નંબર વન બનાવવાની, સીટી ઓફ ગાર્ડન્સ તરીકે અમદાવાદની ઓળખ ઉભી કરવાની, રિન્યુએબલ એનર્જીમાં અમદાવાદને અગ્રગણ્ય શહેર બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી અને તે માટે નવા બજેટમાં મહત્વની જોગવાઇ કરાઇ હોવા બાબતે ધ્યાન દોર્યું હતું. પ્રોપર્ટી ટેકસમાં વધારા સાથેનું અમ્યુકોનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ સસ્ટેઇનેબલ અમદાવાદ, મોર્ડન અમદાવાદ, એફોર્ડેબલ અમદાવાદ, રેસીલિએન્ટ અમદાવાદ અને ટેકનોલોજી ડ્રીવન અમદાવાદ એમ સ્માર્ટ અમદાવાદની મુખ્ય થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. તો, સૌપ્રથમવાર અમદાવાદ શહેરના રસ્તાઓના આધુનિકીકરણ માટે રૃ.૭૦૦ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. તો, રૃ.૫૦૦ કરોડના ખર્ચે શહેરમાં પાંચ નવા મલ્ટીલેવલ પાર્કિંગ ઉભા કરવાનું આયોજન કરાયું છે. આ જ પ્રકારે રૃ.૨૦૦ કરોડના ખર્ચે શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ઇન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત, રૃ.૪૦૫ કરોડના ખર્ચે શારદાબહેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના નવીનીકરણનું પ્લાનીંગ કરાયું છે.

          અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર રૃ.૨૦૦ કરોડના ખર્ચે બે બાયોડાયવર્સિટી પાર્ક ઉભા કરવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાઇ હતી. તો, રૃ.૪૫૨.૯૦ કરોડના ખર્ચે શહેરના ૪૫ તળાવોનું નવીનીકરણ કરાશે. સાથે સાથે શહેર દરેક વોર્ડમાં એક સ્વીમીંગ કુલ, એક મીની સ્પોર્ટસ કોમ્પલેક્ષ, એ.સી. જીમ્નેશીયમ, એ.સી.રીડીંગ રૃમ, વેજીટેબલ માર્કેટ, આઉટડોર જીમની સગવડ સાથે મોડલ ગાર્ડન, હેલ્થ અને વેલનેસ સેન્ટર ઉભા કરવાનું આયોજન કરાયું છે. આ સિવાય દરેક ઝોનમાં સીજી રોડની ડિઝાઇન મુજબનો એક મોડલ રોડ બનાવવા, દરેક ઝોનમાં હેપ્પી સ્ટ્રીટ(લો ગાર્ડન)ની ડિઝાઇન મુજબ એક ફુડ સ્ટ્રીટ અને દરેક ઝોનમાં એક હાઇટેક સ્કૂલ ઉભી કરવાની પણ બજેટમાં જોગવાઇ કરાઇ છે. ને ઇલેક્ટ્રીક મોબીલીટીમાં સમગ્ર દેશમાં અમદાવાદને નંબર વન બનાવવાના ધ્યેય સાથે વર્ષ ૨૦૨૦-૨૧માં ૬૦૦ ઇલેક્ટ્રીક બસો શહેરના માર્ગો પર દોડતી કરાશે. ચાલુ વર્ષે ૫૦ ઇલેક્ટ્રીક બસો માર્ગો પર દોડતી કરી દેવાઇ છે. નવા વર્ષમાં વધુ દસ લાખ વૃક્ષોનું વાવેતર કરીને અમદાવાદને દેશના ગ્રીનેસ્ટ સીટી તરીકે ઓળખ સ્થાપવા કવાયત હાથ ધરાશે.

             મોડલ સ્વરૃપ બનાવવાનું આયોજન આ બજેટમાં કરાયું છે, જેના ભાગરૃપે શહેરમાં ચાલુ વર્ષે ૪૦૦ ઇલેક્ટ્રીક બસો દોડાવાશે તો, આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં એક હજાર જેટલી ઇલેક્ટ્રીક બસો શહેરના માર્ગો પર દોડશે. આ જ પ્રકારે બજેટમાં અમદાબાઇક સ્ટેન્ડ પરથી ૨૦૦૦ સાયકલ અને ૫૦૦ ઇલેક્ટ્રીક બાઇક્સની સેવા નાગરિકોને ઉપલબ્ધ બનાવાશે. આજે મેયર શ્રીમતી બીજલબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલ ભટ્ટની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વર્ષ  ૨૦૨૦-૨૧નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, નવા વર્ષમાં ૧૦૦ જેટલા અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે તો, શહેરમાં ૧૬ નવા ગાર્ડન ડેવલપ કરવામાં આવશે. ચાલુ વર્ષે રૃ.૫૨૫ કરોડના ખર્ચે પાંચ મલ્ટીલેવલ પાર્કિંગ પ્રોજેકટની કામગીરી શરૃ કરાઇ હતી અને વર્ષ ૨૦૨૦-૨૧માં રૃ.૫૦૦ કરોડના ખર્ચે નવા પાંચ મલ્ટીલેવલ પાર્કિંગ પ્રોજેકટને સાકાર કરાશે. આ સિવાય શહેરમાં પાંચ નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને દસ અરબ હેલ્થ સેન્ટર આધુનિક સુવિધાથી સજ્જ શરૃ કરાશે. તો, રૃ.૩૪ કરોડના ખર્ચે શહેરમાં ૮૫ શાળાઓનું નવીનીકરણ કરાશે. નવા વર્ષમાં શહેરમાં કલ આઠ સ્થળોએ રૃ.૬૯.૨૯ કરોડના ખર્ચે આધુનિક નાઇટ શેલ્ડર ઉભા કરાશે અને રૃ.છ કરોડના ખર્ચે નાઇટ શેલ્ટરમાં રહેતા લાભાર્થીઓને એક ટંકનું નિઃશુલ્ક ભોજન પણ ઉપલબ્ધ બનાવવાની જોગવાઇ કરાઇ છે. શહેરમાં વિવિધ સ્થળોએ દસ નવા ઓટોમેટીક ટ્રાફિક કન્ટ્રોલ સીસ્ટમવાળા જંકશન ઉભા કરાશે. એકંદરે બજેટમાં તમામ પાસાઓનેઆવરી લેવાનો પ્રયાસ કરાયો છે.

રૃપિયો ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચ થશે....

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું રેવન્યુ ખર્ચ રૃ.૩૮૯૩.૩૨ કરોડ અને કેપીટલ ખર્ચ રૃ.૫૦૧૪.૦૦ કરોડ સાથેનું કુલ રૃ.૮૯૦૭.૩૨ કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં ફેકટર આધારિત નોંધનીય વધારો સૂચવ્યો છે, જેમાં રહેણાંકની મિલકતોમાં રૃ.૪૦ કરોડ અને કોમર્શીયલ મિલકતોમાં રૃ.૧૭૮ કરોડનો ટેક્સમાં વધારો સૂચવવામાં આવ્યો છે. કોર્પોરેશનના બજેટમાં રૃપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેનું ચિત્ર નીચે મુજબ છે.

રૃપિયો ક્યાંથી આવશે

ઓકટ્રોયની અવેજીમાં સરકારની ગ્રાંટ

૨૭

જનરલ ટેક્ષ

૧૧

વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સ

૦૭

વાહન વેરો

૦૨

વ્યવસાય વેરો

૦૪

નોન ટેક્સ રેવન્યુ

૨૪

રેવન્યુ ગ્રાન્ટ, સબસીડી અને કોન્ટ્રીબ્યુશન

૧૪

અન્ય આવક

૧૧

કુલ

૧૦૦

રૃપિયો કયાં જશે

એસ્ટાબ્લીશમેન્ટ

૨૯

એડમીનીસ્ટ્રેશન અને જનરલ ખર્ચ

૦૨

મરામત અને નિભાવ

૦૮

પાવર અને બળતણ

૦૫

સર્વિસ અને પ્રોગ્રામના ખર્ચાઓ

૦૯

કોન્ટ્રીબ્યુશન, સબસીડી અને ગ્રાન્ટ

૧૫

લોન ચાર્જીસ અને અન્ય

૦૧

વિકાસના કાર્યો માટે ટ્રાન્સફર

૩૧

કુલ

૧૦૦

કોર્પોરેશન બજેટ.....

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

રહેણાંકના મિલકતવેરામાં ફેરફાર

*        બેઝ રેટ - ૧૬થી ૨૨

*        સરેરાશ ૧૬ લાખની મિલકત ધ્યાને લેતાં વાર્ષિક રૃ.૪૦ કરોડનો વધારો

*        સમૃધ્ધ બંગલા માટે અવયવ દર ૧.૫૦થી ૧.૮૦

*        સમૃધ્ધ વિસ્તાર માટે અવયવ દર ૧.૬૦થી ૧.૯૨

*        કાળજીપૂર્વકની વિચારણા લીધે સમૃધ્ધ વર્ગ પર વધારાની મહત્તમ અસર

*        ઉપરોકત સૂચિત રહેણાંકના મિલકત વેરામાં ફેરફારના દરથી રૃ.૪૦ કરોડ જેટલો વધારો અપેક્ષિત છે.

કોમર્શિયલ મિલકતવેરામાં ફેરફાર

*        બેઝ રેટ - ૨૮થી ૩૪

*        સરેરાશ ૧૬ લાખની મિલકત ધ્યાને લેતાં વાર્ષિક રૃ.૧૭૮ કરોડનો વધારો

*        સમૃધ્ધ વિસ્તાર માટે અવયવ દર ૧.૬૦થી ૧.૯૨

*        મિલકત પ્રકારની અમુક વિસંગતતાઓ દૂર કરવામાં આવી છે.

*        ઔદ્યોગિક એકમો અને કારખાના, ગોડાઉન અને વેરહાઉસીસ ૨.૦૦થી ૨.૮૦

*        હોટલ, મનોરંજનના સ્થળો ૬.૦૦થી ૭.૦૦

*        ઉપરોકત સૂચિક બિનરહેણાંક(કોમર્શીયલ) મિલકતવેરામાં ફેરફારના દરથી રૃ.૧૭૮ કરોડ જેટલો વધારો અપેક્ષિત છે.

આજીવન વાહનવેરાના દરમાં ફેરફાર

*        દ્વિચક્રી વાહનોમાં કોઇ ફેરફાર નહી

*        ઓટો રીક્ષામાં  પ્રોત્સાહન દૂર કરાયા

*        સામાન્ય વાહનોમાં નજીવો વધારો

*        ૧૫ લાખથી વધુની કિંમતના વાહનોમાં ત્રણ ટકાનો વધારો

*        ઉપરોકત સૂચિત વાહનવેરાના દરથી રૃ.૨૬ કરોડ જેટલો વધારો અપેક્ષિત છે. જેનો ઉપયોગ પરિવહન વ્યવસ્થા મજબૂત કરવામાં થશે.

(8:52 pm IST)