Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કોંગ્રેસમાં હજુ પણ કમૂરતા સંગઠનની રચના વિલંબમાં

રાજકોટ તા. ૧૭ : મકરસંક્રાન્તી બાદ રાજયભરમાં કમૂરતાની વિદાય થઇ છે અને શુકનવંતા કાર્યક્રમો -પ્રસંગોની મોસમ પૂરબહારમાં ખીલી છે. પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં હજુ કમૂરતા યથાવત છે. કમૂરતા ઉતરતા જ પ્રદેશ માળખુ જાહેર થશે તેવા ઢોલ પીટાયા હતા. પરંતુ વધુ એકવાર પ્રદેશ માળખાની જાહેરાત વિલંબમાં મૂકાઇ છે.

ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન માળખું કમૂરતા પૂરા થયા બાદ જાહેર કરવાનું પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું . જો કે ગુજરાતના પ્રદેશ પ્રભારીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જવાબદારી સોંપાતા સંગઠનની જાહેરાતમાં વિલંબ થાય તેવી શકયતા છે. છેલ્લે ૪૦૦ જેટલા હોદ્ેદારોનું ગુજરાત કોંગ્રેસનું જમ્બો માળખું હતું.

આ હોદ્દેદારોમાંથી જેમણે કામ કર્યું નથી તેમના પત્તાં કપાવવાનું  નકકી થઇ ગયું છે. કારણ કે જે તે હોદ્દેદારોને અપાયેલી કામગીરીનું મૂલ્યાંકન થઇ ગયું છે પણ હજીયે કયાં નવા લોકોને સંગઠનમાં સામેલ કરવા તેની કસરત ચાલી રહીછે. ત્યારે નવી બોડીની જાહેરાત હાલ પૂરતી ઘોંચમાં પડી છે.

ગુજરાત કોંગ્રેસનુ માળખું ગત ઓકટોબર-ર૦૧૯ માં વિખેરી દેવાયું હતું.

માત્ર પ્રદેશ પ્રમુખને જ યથાવત રાખ્યા હતા. હવે નવી બોડી ૮૦ થી ૯૦ હોદ્દેદારો આસપાસ રહેવાની છે, ઉત્તર પ્રદેશની પેટર્ન પ્રમાણે નિશ્ચિત જવાબદારી સાથે હોદ્દા અપાશે. અગાઉના જમ્બો માળખામાંથી મોટા ભાગના હોદ્દેદારોના પત્તા કપાવાના છે. એટલે આગામી દિવસોમાં આ બાબતનો અસંતોષ ઉભો થાય તેવો વર્તારો હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે.

(11:28 am IST)