Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મોલ-મલ્ટિપ્લેક્સ કેસ : સરકાર જવાબ રજૂ કરવામાં અસફળ

સુરતના મોલ દ્વારા સુપ્રીમમાં દરખાસ્ત રજૂ કરાઇ : સુપ્રીમની જવાબ રજૂ કરવા બે સપ્તાહની મહેતલ : અગાઉ પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ચાર્જ લેવા મંજૂરી આપી હતી

અમદાવાદ, તા.૧૬ : મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહી એ મતલબના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમકોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે અગાઉ બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શીયલ બિલ્ડીંગો(મોલ-મલ્ટિપ્લેક્સ)માં પાર્કિંગ ચાર્જ વસૂલવાની પરવાનગી આપી હતી. જો કે, કોમર્શીયલ બિલ્ડીંગમાં આવનાર મુલાકાતીઓ માટે પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા આપવા અને ત્યારબાદ પાર્કિંગ ચાર્જ વસૂલવા સુપ્રીમકોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. સાથે સાથે  ટુ વ્હીલરના કિસ્સામાં રૂ.દસ અને ફોર વ્હીલર માટે રૂ.૩૦થી વધુ પાર્કિંગ ચાર્જ નહી વસૂલી શકાય એવી પણ સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી. આ મહત્વપૂર્ણ કેસમાં જવાબ રજૂ કરવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી હતી. રાજય સરકાર તરફથી આ કેસમાં જવાબ તૈયાર થયો ના હોઇ ચાર સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હતો.

            જો કે, સુપ્રીમકોર્ટના જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ અનિરૂધ્ધ બોસની ખંડપીઠે સરકારને જવાબ રજૂ કરવા બે સપ્તાહનો સમય આપ્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૨૭મી જાન્યુઆરી પર મુકરર કરી હતી. બીજીબાજુ, ઓલ ઇન્ડિયા મલ્ટીપ્લેક્સ એસોસીએશનને આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવવા વિનંતી કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે હાલના તબક્કે પક્ષકાર તરીકે જોડવા કે નહી તે મામલો પેન્ડીંગ રાખ્યો છે. અરજદાર સુરતના રાહુલરાજ મોલ તરફથી પાર્કિંગની દરખાસ્ત મૂકી હતી, જેમાં પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ, એ પછી ફોર વ્હીલર માટે રૂ.૩૦ અને ટુ વ્હીલર માટે રૂ.૧૦ અને આસપાસની સોસાયટીઓને ઉપયોગમાં લેવું હોય તો, આખી રાત માટે ફોર વ્હીલરના રૂ.૩૦ અને ટુ વ્હીલર માટે રૂ.૧૦ વસૂલવાની દરખાસ્ત રજૂ કરાઇ હતી. અગાઉ સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી તરફથી કરાયેલી પિટિશનમાં સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પાર્કિંગની સમસ્યા એ દેશની સળગતી અને સાર્વત્રિક વ્યાપક સમસ્યા છે. રાહુલરાજ મોલના પાર્કિંગના એસેસમેન્ટ પે એન્ડ પાર્ક તરીકે છે. હાઇકોર્ટને કાયદામાં પાર્કિંગની જોગવાઇ આગળ ફ્રી શબ્દ ઉમેરવાની સત્તા નથી, કારણ કે, કાયદામાં મફત પાર્કિંગની જોગવાઇ નથી.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી અરજદાર સહિત અનેક મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલકો અસર પામ્યા છે અને પ્રભાવિત છે ત્યારે આ મહત્વના મુદ્દે સુપ્રીમકોર્ટે યોગ્ય દરમ્યાનગીરી કરવી જોઇએ અને યોગ્ય રાહત આપવી જોઇએ. કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, પાર્કિંગ ફ્રી હોઇ શકે નહી પરંતુ તે અંગે ચોક્કસ સૂચનો સાથે પક્ષકારોએ આવવું જોઇએ. જે મુલાકાતીઓ મોલમાંથી ખરીદી કરે કે, સિનેમાની ટિકિટ બતાવે તેવા લોકો માટે ફ્રી પાર્કિંગ કરી શકાય. આ કેસમાં રૂચિ મોલ્સ(આલ્ફા વન મોલ) તરફથી પણ કેસમાં જોડાઇને રજૂઆત કરવામાં આવી હતી. દરમ્યાન ગુજરાત સરકાર તરફથી આ કેસમાં વધુ સમય આપવા માંગણી કરી હતી. સુપ્રીમકોર્ટે સમય આપ્યો હોવાછતાં કેસની વધુ સુનાવણી નીકળી ત્યારે ગુજરાત સરકારે જવાબ તૈયાર નહી હોવાથી વધુ એકવાર ચાર સપ્તાહના સમયની માંગણી કરાઇ હતી. જો કે, સુપ્રીમકોર્ટે તા.૨૭મી જાન્યુઆરી સુધીનો જ સમય સરકારને આપી બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા તાકીદ કરી હતી.

(10:02 pm IST)