Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની મોદી દ્વારા શરૂઆત થઇ

મેક ઇન ઇન્ડિયા સહિતના પેવેલિયનોમાં મોદી પહોંચ્યા : ટ્રેડ શોમાં શ્રેણીબદ્ધ આકર્ષણો : અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં મોદીએ સ્વીચ ઓન કરી ટ્રેડ શો ખુલ્લો મુક્યો : ૨૦૦૦ કરોડના વેપાર થઇ શકે છે

અમદાવાદ, તા. ૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેક ઇન ઇન્ડિયા એમએસએનઈ સહિતના વિવિધ પેવેલિયનોની વડાપ્રધાને મુલાકાત લીધી હતી. મહાત્મા અને આફ્રિકન પ્રદર્શન ટ્રેડ શોમાં અનેરુ આકર્ષણ જમાવી શક્યા હતા. આફ્રિકા દિવસની ઉજવણી પણ ૧૯મીએ કરવામાં આવનાર છે. મોદીએ જાહેર સાહસોના પેવેલિયન અને મધ્યમ, નાના અને લઘુ ઉદ્યોગોના પેવેલિયનોની મુલાકાત લીધી હતી. સાથે સાથે થીમ પેવેલિયનોની મુલાકાત લઇને વિવિધ કંપનીઓના વડાઓ સાથે વાતચીત પણ કરી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કહ્યું હતું કે, જાપાની કંપનીઓ વધુને વધુ રોકાણ માટે પ્રેરિત થાય તે માટેનું વાતાવરણ ગુજરાતમાં ઉભું થયું છે. ડીએમઆઈસી અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ નવા આર્થિક યુગનો પ્રારંભ કરશે. જાપાની કંપનીઓ ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. બંને દેશો વેપાર સંબંધોને મજબૂત કરવા માટે ઇચ્છુક છે. દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરુપે મુખ્યમંત્રીએ જાપાન, ઇઝરાયેલ અને નેધરલેન્ડના પ્રતિનિધિઓ સાથે વાતચીત યોજી હતી. સંબંધો ઉપર ચર્ચા થઇ હતી. નેધરલેન્ડ અને ગુજરાત વચ્ચે છ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇઝરાયેલના રાજદૂત રોન માલ્કા સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ઇઝરાયેલની ટેકનોલોજી અને નોલેજ શેયરિંગ માટે સહયોગની તત્પરતા જોવા મળી રહી છે. એક લાખ હેક્ટર જમીન વિસ્તારમાં ઇઝરાયેલી પદ્ધતિથી  ડ્રીપ ઇરિગેશન માટે એમઓયુ કરાશે. તારીખ ૨૦ જાન્યુઆરી સુધી આ પ્રદર્શન બાયર-સેલર મીટમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ, મીડિયા તથા અભ્યાસુ અને વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રહેશે. તારીખ ૨૦ જાન્યુઆરીના બપોર બાદ આ પ્રદર્શન તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. પત્રકાર પરિષદમાં કૃષિ અને પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર અને પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસજે હૈદર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક નવીન દ્રષ્ટિકોણ સાથે યોજાનાર આ પ્રદર્શનનો હેતુ વિવિધ ક્ષેત્રો માટે બી ટુ બીના પ્રતિનિધિઓ માટે મુલાકાતો યોજાઈ શકે એવો એક મંચ પૂરો પાડવાનો છે. જેમાં અરસપરસ રસ ધરાવતા વેપારીઓ સાથે બેઠકો, ખરીદ-વિક્રેતા બેઠકો, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો, વ્યાપાર નેટર્વકિંગ, તકનીકી મૂલ્યાંકન અને વ્યૂહાત્મક ભાગીદારીને મહત્વ આપવામાં આવશે. પટેલે કહ્યું હતું કે, વીજીજીટીએસ - ૨૦૧૯માં ૧૫૦૦થી વધુ દેશ-વિદેશ અને સ્થાનિય ખરીદદારો ભાગ લે એવી સંભાવના છે. એમએઅએમઈ અને જાહેર ક્ષેત્રના સાહસો સહિતના મોટા સ્કેલ એન્ટરપ્રાઇઝિસ વચ્ચે વધુ મજબૂત ભાગીદારી વિકસાવવા માટે વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખરીદકર્તા અને વિક્રેતાઓ વચ્ચે યોજાનાર આ બેઠકો દ્વારા ૨૦૦૦ કરોડ જેટલી રકમના વેપારની આપ-લે થવાની સંભાવના છે. આ પ્રદર્શનમાં ૧.૫ મીલીયન મુલાકાતીઓ અને વિશ્વના વિવિધ ૧૦૦ દેશોના ૩૦૦૦ આંતરરાષ્ટ્રિય ડેલિગેટ્સ ઉપસ્થિત રહે એવી ધારણા છે. આ સ્થળે મેક ઇન ઇન્ડિયા અને સ્ટેટ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, બુલેટ ટ્રેન સિમ્યુલેટર, ફાર્મ ટુ ફેબ્રિક પેવેલિયન તથા ખાદી જેવા વિષયને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલ ફેશન શો આ ટ્રેડ શો પૈકીના મહત્વના આકર્ષણો છે.

(10:57 pm IST)