Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

નામની બાદબાકીના સંદર્ભે નીતિન પટેલે કરેલો બચાવ

પત્રિકામાં નામ મહત્વનું નથી : નીતિન પટેલ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્ય મંત્રી હોવા છતાંય તેમનું નામ પણ નહીં છપાતાં ભારે વિવાદ સર્જાઇ ગયો છે

અમદાવાદ,તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં વી.એસ.હોસ્પીટલના ઉદ્ઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્ય મંત્રી હોવા છતાં પણ તેમનું નામ પણ નહીં છપાતાં ભારે વિવાદ સર્જાયો હતો. જો કે, આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બચાવ કરતાં જણાવ્યું હતું કે, પત્રિકામાં મારૂ નામ છપાય કે ના છપાય તે મારા માટે મહત્વનું નથી. જ્યારે વડાપ્રધાનના આગમન વખતે એરપોર્ટ પર પણ નાયબ મુખ્યમંત્રીની ગેરહાજરી અંગે તેમણે કહ્યું કે, મારી સીએમ અથવા સરકાર સામે કોઈ નારાજગી નથી. આ ઉપરાંત પત્રિકા કે જાહેરાતમાં મારો ફોટો છપાય કે નહીં તેવાં વિવાદ મીડિયાએ પેદા કર્યા છે. વાસ્તવમાં એવું કંઇ નથી. ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની પૂર્વ સંધ્યાએ આજે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી અમદાવાદમાં નવી બનેલી સિવિલ હોસ્પીટલનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે આ આમંત્રણ પત્રિકામાં અન્ય મંત્રીઓના નામ છપાયા છે, પરંતુ આરોગ્ય મંત્રી હોવા છતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ નહીં છપાતા ભારે વિવાદ સર્જાયો છે. આ ઉપરાંત શોપિંગ ફેસ્ટીવલની પત્રિકામાં પણ નાયબ મુખ્યમંત્રીનું નામ છપાયું નથી. જ્યારે એરપોર્ટ પર પણ નીતિન પટેલની ગેરહાજરીથી તેઓ નારાજ હોવાની ચકચાર મચી છે. બાદમાં આ અંગે સ્પષ્ટતા કરતા નીતિન પટેલે કહ્યું કે, પત્રિકામાં મારૂ નામ છપાય કે ના છપાય તે મારા માટે મહત્વનું નથી. આ બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કરવાની છે કે, કોના નામ છાપવા કે ના છાપવા. નીતિન પટેલે વધુમાં કહ્યું કે, સરકારમાં નક્કી થયા મુજબ એરપોર્ટ પર રાજ્યપાલ અને સીએમ દ્વારા સ્વાગત કરવાનું હતું. જ્યારે ગાંધીનગરમાં પ્રદર્શન સ્થળે મંત્રીમંડળના સાથીઓ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવાનું હતું. જ્યારે પત્રિકા અથવા જાહેરાતોમાં તેમના નહીં છપાતા ફોટા અંગે તેમણે કહ્યું કે, તે સરકારે નક્કી કરવાનું હોય છે. તેઓ આ બાબતે નારાજ નહીં હોવાનું જણાવતા સ્પષ્ટ કર્યું કે, સરકાર દ્વારા આ પ્રકારે અવગણના કરવામાં આવતી હોવાનું લાખ્ખો ટેકેદારો વિચારે તેમાં પોતે કશું કરી શકે તેમ નથી.

(10:54 pm IST)