Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ગેમ્સમાં ભાગ લેનારની પરીક્ષા હવે સીબીએસઇ અલગથી લેશે

ઉભરતા ખેલાડીઓના પ્રોત્સાહન માટે નિર્ણય : ઇન્ટરનેશનલ ગેમ્સ ફેબ્રુઆરીથી શરૂ : સીબીએસઈની ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષાઓ વચ્ચે આવે છે

અમદાવાદ,તા. ૧૭ : દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની પરીક્ષા વચ્ચે અવરોધ થતો હતો ત્યારે સીબીએસઈ દ્વારા કેન્દ્ર સરકારની ગેમ્સ અને ખેલાડીઓને પ્રમોટ કરવા વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ ગેમ્સ ફેબ્રુઆરીથી શરૂ થાય છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધો. ૧૦ અને ધો. ૧રની પરીક્ષા વચ્ચે જ આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને એક્ઝામનો સ્ટ્રેસ પણ રહે છે ત્યારે સીબીએસઈ બોર્ડે નિર્ણય કર્યો છે કે, ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા લેવામાં આવશે.         સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓમાં આ નિર્ણયને પગલે રાહત અને ખુશીની લાગણી ફેલાવા પામી છે. સીબીએસઇ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં ફ્રેન્ડલી માહોલ આપવા માટે નવા ફેરફાર કરવામાં આવ્યા છે. આ બદલાવમાં જે વિદ્યાર્થીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની પરીક્ષામાં ભાગ લેશે તેમના માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી લેવલ પર રોજ એક સ્પોર્ટ્સનો પિરિયડ લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા દરમિયાન નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ-ઇવેન્ટ્સમાં ભાગ લેવો છે તેમણે એની જાણકારી સીબીએસઈની રિજનલ ઓફિસ પર તા.૩૧ જાન્યુઆરી સુધીમાં મોકલવાની રહેશે. આ વિષય પર સીબીએસઈ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે નેશનલ ગેમ્સ તા.૩૦ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી યોજાશે. વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી રિકેમન્ડેશન લેટર લઇ સીબીએસઈ રિજનલ ઓફિસમાં તા.૩૧ જાન્યુઆરી પહેલાં આપવાનો રહેશે. ધોરણ-૧૦ની પરીક્ષા તા.ર૧ ફેબ્રુઆરીથી ર૯ માર્ચ સુધી યોજાશે, જ્યારે ધોરણ-૧રની પરીક્ષા તા.૧પ ફેબ્રુઆરીથી ૩ એપ્રિલના રોજ લેવાશે. આમ, ઇન્ટરનેશલ ગેમ્સ પણ ફેબ્રુઆરીમાં આવતી હોવાથી ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમનું રમતગમતનું કૌશલ્ય ખીલવવા સીબીએસઇ બોર્ડે આ નિર્ણય લીધો છે.

(10:53 pm IST)