Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

નડિયાદમાં ધોળા દિવસે તસ્કરોએ મકાનના તાળા તોડ્યા: 4 લાખની મતા લૂંટી

નડિયાદ: શહેરમાં ઘરફોડ ચોરી બાદ હવે સ્નેચીંગની ઘટનાઓ શરૂ થઇ છે. શહેરના પોષ વિસ્તાર ગણાતા વાણીયાવડ પાસે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે સવારના સમયે રૂ.૪ લાખ ભરેલી બેગ લઇ જઇ રહેલા એક સિનિયર સિટિઝનને નિશાન બનાવી બાઇક પર આવેલા બે ઇસમો રૂપીયા ભરેલી બેગ લૂંટી છુ મંતર થઇ ગયા છે. સમગ્ર ઘટના અંગે એનઆરઆઇ સિનિયર સિટિજને પોલીસ મથકે જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નડિયાદ શહેરના નાના કુભનાથ રોડ પર આવેલ સોમેશ્વર પાર્ક પાસે ડાહ્યાભાઇ પુંજાભાઇ પટેલ રહે છે. એનઆરઆઇ ડાહ્યાભાઇ તેમની પત્નિ સાથે કેટલાક સમયથી વતન આવ્યા હતા. જેઓના નાણા શહેરની વીજયા બેંક અને બેંક ઓફ બરોડામાં મુકેલા હતા. ડાહ્યાભાઇને તેમાંથી થોડી રકમ એક્સિ બેંકમાં જમા કરાવવાની હોઇ આજે સવારે તેઓ પહેલા વિજયા બેંક અને ત્યાર બાદ વાણીયાવડ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાંથી કુલ ચાર લાખ રૂપીયા ઉપાડ્યા હતા. જે બાદ તેઓ વાણીયાવડ સર્કલથી મહાગુજરાત પાસે આવેલ એક્સિસ બેંકમાં જવા ચાલતા નિકળ્યા હતા. ડાહ્યાભાઇ જેવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે પહોચ્યા તેજ સમયે બાઇક પર પાછળથી આવેલા બે લૂંટારાઓએ હાડ્યાભાઇના હાથમાં રાખેલ રૂ.૪ લાખ ભરેલું પાકીટ ઝુંટવી ત્યાથી બાઇક પર નાસી છુટ્યા હતા. અચાનક બનેલી ઘટનાથી ગભરાઇ ગયેલા ડાહ્યાભાઇએ ચોર ચોરની બુમો પણ પાડી હતી, પરંતુ કોઇ કંઇ સમજે તે પહેલા જ બાઇક પર આવેલા બંને ઇસમો ઘટનાને અંજામ આપી મહાગુજરાત હોસ્પિટલ તરફ ભાગી છુટ્યા હતા. 

 

(5:12 pm IST)