Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઠાસરાના ઢુણાદરામાં ઉતરાયણના દિવસે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ: જૂથ અથડામણમાં પથ્થરમારો થતા પોલીસ બંદોબસ્ત

નડિયાદ:ઠાસરાના ઢુણાદરા ગામે વાસી ઉત્તરાયણના દિને કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ હતી. ગામમાં પતંગ ચઢાવતા સમયે ધાર્મિક ગીત વગાડવા મુદ્દે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરાવી છે.

ઘટનામાં એક પક્ષમાંથી ઝાકીરમિયાં શેખ દ્વારા ફરિયાદ દાખલ કરાવાઈ છે. જેમાં ૨૮ લોકોને આરોપી દર્શાવી તેમાં કુલ પચ્ચાસ લોકોના ટોળાનો ઉલ્લેખ કરાયો છે. આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે ૧૫ તારીખે સાડા બાર વાગ્યે ઢુણાદરા ગામે સુરજી વગો ખાતે ભલાભાઈ પરમાર તેમના ઘર ઉપર પતંગ ચઢાવતા સમયે ફરિયાદીની પત્ની અને બાળકોને જોઈ ચીચીયારીઓ પાડતા હતા. આ દરમ્યાન ફરિયાદીએ તેમને ઠપકો આપતા તમે શાંતિથી પતંગ ચઢાવો ખોટુ વર્તન કરશો નહીં તેમ કહેતા સામા પક્ષે એકસંપ થઈ ફરિયાદી અને તેમના સાહેદોને લાકડીથી હુમલો કર્યો હતો. દરમ્યાન ફરિયાદીના સાહેદને કપાળના ભાગે ઈજાઓ પણ પહોંચાડી હતી. આ હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા બંનેને પ્રાથમિક સારવાર માટે નડિયાદ સિવિલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. આ બાદ બંને ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયા હતા. આ દરમ્યાન આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યુ છે.

(5:13 pm IST)