Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સુરતના સારોલીમાં 8 વર્ષીય બાળકીના ભોળપણનો લાભ ઉઠાવી નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કરતા ચકચાર

સુરત: શહેરના સારોલી વિસ્તારમાં ગત રાત્રે ઘર નજીક રમતી આઠ વર્ષીય બાળકીને હું તારો મામો છું તેમ કહી ગાર્ડનમાં ફરવા લઈ જવાના બહાને એકાંતમાં લઈ જઈ એક યુવાને તેનું ફ્રોક કાઢવા પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતા એકત્ર થયેલા લોકોએ યુવાનને ઝડપી પાડી મેથીપાક આપી પોલીસને હવાલે કરતાં પોલીસે નજીકની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કામ કરતા તેમજ બે સંતાનના પિતા યુવાનની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સારોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવાર આઠ વર્ષીય બાળકી ગત રાત્રે આઠ વાગ્યાના અરસામાં ઘર નજીક રમતી હતી ત્યારે એક યુવાન તેની પાસે આવ્યો હતો અને તેને કહ્યું હતું કે હું તારો મામો છું, ચાલ ગાર્ડનમાં ફરવા જઇએ. બાળકી તેની સાથે ચાલી નીકળતા યુવાન તેને ગાર્ડનની સામે પડતર જગ્યાએ એકાંતમાં લઈ ગયો હતો. યુવાને ત્યાં બાળકીનું ફ્રોક કાઢવા પ્રયાસ કરતા તેણે બૂમાબૂમ કરી હતી. આથી લોકો એકત્ર થઇ ગયા હતા અને હકીકત જાણી યુવાનને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો અને બાદમાં પૂણા પોલીસને હવાલે કર્યો હતો.

(5:10 pm IST)