Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બોરસદના જાખલી તળાવ નજીક રાત્રીના સુમારે બે મિત્રો નજીવી બાબતે ઝઘડી પડતા માથાકૂટમાં એકનું મોત

બોરસદ:શહેરમાં જાખલી તળાવ પાસે ગતરોજ રાત્રીના સુમારે બે મિત્રો વાતો કરતા કરતા ઝઘડી પડતા ઉશ્કેરાયેલા એકે બીજાને માથાની પાછળના ભાગે હાથથી જોરથી મુક્કો મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાં યુવાનનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસને જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મુળ દાહોદ જિલ્લાના સારમારીયા ગામનો અને હાલમાં બોરસદમાં મારૃતી હોસ્પિટલ નજીક રહેતો રાહુલ દલુભાઈ પરમાર ઉ.વ. 18 ગતરોજ સાંજના સાડા સાત વાગ્યાના સુમારે અનિલ કિર્તનભાઈ ડામોર સહિતના મિત્રો સાથે વાતો કરવા ઉભો હતો ત્યારે અનિલ અને રાહુલ વચ્ચે વાતો કરતા ઝઘડી પડયા હતા અને અનિલ ડામોરે ઉશ્કેરાઈ જઈને ગમે તેમ ગાળો બોલી રાહુલને માથાના પાછળના ભાગે જોરથી મુક્કો મારી દેતા રાહુલ બેભાન થઈ ત્યાં જ ઢળી પડયો હતો.જેથી અન્ય મિત્રોએ રાહુલને છોડાવીને રાહુલના કાકાના દિકરા મનિષભાઈ કલસીંગભાઈ પરમારને જાણ કરી હતી.

ત્યારબાદ બેભાન થઈ ગયેલા રાહુલને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.જેથી આ બનાવ અંગે મનિષભાઈ પરમારે બોરસદ શહેર પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને રાહુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ બનાવ અંગે મનિષભાઈ કલસીંગભાઈ પરમારની ફરીયાદના આધારે અનિલ કિર્તનભાઈ ડામોર રહે.બોરસદ આણંદ ચોકડી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:43 pm IST)