Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

'આંખ'ની હિલચાલ પરથી જાણ થઇ જશે કે એ શખ્સ ખરેખર આતંકવાદી છે કે નહિ? એફએસએલે નવી ટેકનોલોજી વસાવી

દેશભરમાં સૌ પ્રથમ ગુજરાતે ઇઝરાયેલ પાસેથી વધુ એક લેટેસ્ટ ટેકનોલોજી ખરીદી : ઇઝરાયેલના વડાપ્રધાનના આગમન પ્રસંગે એક રસપ્રદ કથા : નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી હતા તે સમયથી જ ગુજરાતને ઇઝરાયેલ સાથે અનેરો નાતોઃ મોબાઇલ કે લેપટોપમાંથી ડીલીટ કરી નખાયેલ ડેટા શોધી આપતું અદ્યતન ટેકનોલોજીયુકત સાધન પણ ગુજરાત એફએસએલે ઇઝરાયેલ પાસેથી ખરીદ કર્યુ છેઃ એફએસએલ વડા ડો.જે.એમ.વ્યાસ સાથે 'અકિલા'ની વાતચીત

રાજકોટ, તા., ૧૭: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ઐતિહાસિક રોડ-શો પણ યોજાયેલ. બંન્ને દેશો વચ્ચે અનેક એમઓયુ થઇ રહયા છે. ત્યારે બહુ ઓછા લોકોને એ વાતની જાણ હશે કે ગુજરાતને ઇઝરાયેલ સાથે અને ખાસ કરીને વિશ્વ પ્રસિધ્ધ ગુજરાત ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી  તથા વિશ્વની સૌ પ્રથમ ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિ. સાથે અનેરો નાતો છે.આ નાતો હમણાનો નહિ પરંતુ નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી મજબુત રીતે બંધાયેલો અને દિવસે-દિવસે આ નાતો આત્મીયતામાં પરીણમ્યો છે. ફરી મૂળ વાત પર આવીએ તો ગુજરાતની ગાંધીનગર સ્થિત એફએસએલ અને ફોરેન્સીક સાયન્સ યુનિ. પાસે ઇઝરાયેલ ટેકનોલોજીના ઘણા સાધનો છે.

તાજેતરની જ વાત કરીએ તો થોડા સમય અગાઉ જ ગુજરાતે અર્થાત ગાંધીનગર એફએસએલ દ્વારા ઇઝરાયેલ ટેકનોલોજીનું એક અદ્યતન મશીન ખરીદવામાં આવ્યું છે. 'આઇ ડીટેકટ' મશીન તરીકે ઓળખાતુ આ અદ્યતન ટેકનોલોજીવાળુ સાધન ગુજરાતમાં દેશભરમાં સૌ પ્રથમ એફએસએલ દ્વારા વસાવાયેલું.  આ બાબતને ગુજરાત ફોરેન્સીક લેબોરેટરીના નિયામક ડો.જે.એમ.વ્યાસે અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે. ડો.જે.એમ.વ્યાસે ઇઝરાયેલ બેઇઝ ટેકનોલોજીવાળા આ અદ્યતન મશીન અંગે જણાવેલ કે, ઉગ્રવાદીઓ કે અન્ય ગુન્હેગારોની પુછપરછ દરમિયાન તેની આંખોની જે મુવમેન્ટ થાય છે તે દ્વારા તે કેટલું સાચુ બોલે છે કે કેટલુ ખોટુ બોલે છે તેની માહીતી આ અદ્યતન સાધન દ્વારા મળી જશે. આ ટેકનોલોજીથી આરોપીઓની ઓળખ કરવામાં ખુબ આસાની રહેશે. આઇ ડીટેકટ ટેસ્ટ ટેકનોલોજી માત્ર ગુજરાતને જ નહિ દેશભરની વિવિધ રાજયોની પોલીસ તથા સીબીઆઇ રો જેવી જાસુસ સંસ્થાઓને પણ આરોપીઓની ઓળખ કરાવવામાં અત્રે લાવવાથી સરળતા રહેશે.

ઇઝરાયેલ બેઇઝની આધુનિક ટેકનોલોજી સીસ્ટમ ગુજરાત એફએસએલમાં આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ નથી. ગુજરાત પાસે લેઅરવોઇસ એનાલીસીસ નામની ટેકનોલોજી છે તે પણ ઇઝરાયેલ પાસેથી ખરીદ કરવામાં આવી હતી. સસ્પેકટ ડીટેકશન સીસ્ટમ પણ એફએસએલ પાસે છે તે પણ બહુ પ્રચલીત છે.

સેલફોન કે લેપટોપમાં રહેલ ડેટા ડીલીટ કરી નાખવામાં આવ્યો હોય તો આવો ડેટા પરત મેળવવા માટે ગમે તેવા સેલફોન કે લેપટોપ પાસવર્ડ વગર ખોલી નાખી તેનો ભેદ ઉકેલવામાં સરળતા રહે તેવી ટેકનોલોજી પણ એફએસએલે ઇઝરાયેલ પાસેથી ખરીદી છે.

અત્રે એ યાદ રહે કે, વિશ્વભરમાં આવેલી વિવિધ જાસુસ સંસ્થાઓમાં ઇઝરાયેલની જાસુસ સંસ્થા 'મોસાદ' નામની જાસુસી સંસ્થા ખુબ જ મોખરે છે. માત્ર ટેકનોલોજી નહિ, તેની કાબેલીયતતા વર્ષોથી જાણીતી છે. અનેક દુશ્મન દેશોમાં જઇ જે કારનામા દાખવેલ તેને આજે પણ યાદ કરાય છે.

(6:21 pm IST)