Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સુરતમાં જૈનાચાર્ય શાંતિસાગર સામે ધાર્મિક વિધિના બહાને કોલેજિયન યુવતી પર દુષ્કર્મ કરવાના કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ

સુરત : સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા એક ઉપાશ્રય ખાતે ધાર્મિક વિધિના બહાને કોલેજિયન યુવતી પર બળાત્કાર ગુજારવાના કેસમાં હાલ લાજપોર જેલમાં રહેલા જૈનાચાર્ય શાંતિસાગર સામે પોલીસે 250 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.

ગઈ તા. 1-10-2017ના રાત્રે સાડા આઠ વાગ્યાથી સાડા નવ વાગ્યાના સમયગાળામાં નાનપુરા, ટીમલિયાવાડ, મહાવીર દિગમ્બર જૈન મંદિરની બાજુમાં આવેલા રૂમમાં આચાર્ય શાંતિસાગર મહારાજે 19 વર્ષીય કોલેજિયન યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ યુવતી મૂળ રાજસ્થાનની વતની છે પણ હાલ વડોદરામાં અભ્યાસ કરી રહી છે. જેનો પરિવાર રાજસ્થાનથી સુરત આચાર્ય મહારાજના દર્શન કરવા આવ્યો હતો તે વખતે આ યુવતી વડોદરાથી આવી હતી. યુવતીના માતા-પિતા અને ભાઈને અન્ય એક રૂમમાં વિધિ કરવાના બહાને બેસાડી દીધા બાદ આચાર્ય શાંતિસાગરે આ યુવતીને પોતાના રૂમમાં વિધિ કરવા બોલાવી હતી. જ્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાના 13 દિવસ બાદ એટલે કે તા. 13-10-2017ના રોજ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં આચાર્ય શાંતિસાગર સામે આ યુવતીએ બળાત્કારનો ગુનો નોંધાવવાની હિંમત કરી હતી. પોલીસે આચાર્યની જે તે વખતે જ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

જેની સામે 250 પાનાની ચાર્જશીટ મંગળવારે કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં 33ના નિવેદનો અને મોબાઇલ ફોનની વિગતો પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યાં છે. તો યુવતીનો અને શાંતિસાગરનો મોબાઈલ ફોન પરિક્ષણ માટે એફએસએલમાં મોકલ્યા છે. જે હજુ આવ્યા નથી. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ પુરવણી ચાર્જશીટ રજૂ કરશે. આ મોબાઇલ ફોનમાં આચાર્ય શાંતિસાગરે યુવતીના નગ્ન ફોટો મગાવ્યા હતા તે છે જેથી એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસને મજબૂત પુરાવો મળી જશે.

(4:19 pm IST)