Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

એસ.ટી. બસોના સ્ટોપેજ વાળી દંડિત થયેલી હોટલોના લાયસન્સ રદ અને બ્લેકલીસ્ટ કરવા કાર્યવાહી કરાશે

રાજ્યની 69 જેટલી હોટલો પર કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા : MRP કરતા વધુ રકમ વસૂલવા સહિતના અન્ય નિયમોના ભંગ બદલ કેસ કરી 1.50 લાખની રકમનો દંડ વસુલાયો

અમદાવાદ : એસ.ટી. બસોના સ્ટોપેજ વાળી હોટલોમાં મુસાફરોને છેતરવામાં આવતા હોવાની મુખ્યમંત્રી કાર્યાલયને ફરિયાદો મળી હતી. આ ફરિયાદ અન્વયે નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાન તંત્ર દ્વારા ગઈકાલે બુધવારે રાજ્યની 69 જેટલી હોટલો પર કાનૂની માપ વિજ્ઞાન તંત્ર ત્રાટક્યું હતું. અને MRP કરતા વધુ રકમ વસૂલવા સહિતના અન્ય નિયમોના ભંગ બદલ પ્રોસીકયુશન કેસ કરી 1.50 લાખની રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશ અવિરતપણે ચાલુ રહેશે. એટલું જ નહીં બલ્કે આ દંડાયેલી હોટલોના લાયસન્સ રદ કરવા તેમ જ તેમને બ્લેકલીસ્ટ કરવા અથવા તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના વાહનવ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી. બસોમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરી કરે છે. આ મુસાફરો માટે એસ.ટી.ના ચાલકો દ્વારા હાઈવે પરની હોટલોમાં બસ ઉભી રાખવામાં આવતી હોય છે.

એસ.ટી. બસોના સ્ટોપેજ વાળી હોટલોમાં મુસાફરો છેતરાતા હોવાની મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ અન્વયે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠાના રાજય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, અન્ન નાગરિક પુરવઠાની સુચના અન્વયે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબત વિભાગના સચિવના માર્ગદર્શન હેઠળ નિયંત્રક, કાનૂનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા આજે તા. 15મી ડિસેમ્બરના રોજ તોલમાપ કાયદા / નિયમોનાં ભંગ સબબ ઓચિંતી તપાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજયમાં દરોડા પાડી આશરે 69 જેટલી હોટલો ઉપર એમ.આર.પી કરતા વધુ રકમ લેતા તેમજ અન્ય નિયમોનાં ભંગ સબબ પ્રોસીકયુશન કેસ કરી અંદાજે 1.50 લાખ જેટલી રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

વધુમાં એવું પણ જાણવા મળેલ છે કે નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાન સાથે નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી પણ જોડાયેલી છે. જેથી નિયામક ગ્રાહક સુરક્ષા તરીકે જે હોટલો સામે પ્રોસીકયુશન કેસ કરવામાં આવેલ છે તેની યાદી સંબંધિત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિકારી તથા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેકટરને આવી હોટલોના લાયસન્સ રદ કરવા, બ્લેકલીસ્ટ કરવા, દંડાત્મક કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

(9:05 pm IST)