Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગુજરાતમાં આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધશે: કાલે રાજયમાં કોલ્ડવેવની શક્યતા

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં આગામી ત્રણથી-ચાર દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી-ત્રણ ડિગ્રી ઘટાડો થશે

અમદાવાદ :ગુજરાતમાં આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, આવતીકાલે રાજયમાં કોલ્ડવેવની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી આપી છે કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં આગામી ત્રણથી-ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઓછામાં ઓછો બેથી-ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશ. જોકે IMDએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં આ સમય દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની અપેક્ષા નથી.

IMDએ ઉમેર્યું હતું કે “આગામી બે દિવસ દરમિયાન કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં તીવ્ર ઠંડીની લહેર પ્રવર્તે તેવી સંભાવના છે. તેમજ આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે.

14 ડિસેમ્બર મંગળવારના રોજ કચ્છ જિલ્લાના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું એટલે કે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કંડલા એરપોર્ટ અને કેશોદમાં 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમજ ભુજ અને રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટ અને ગાંધીનગરમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું

(8:19 pm IST)