Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

હેડ ક્લાર્ક પેપરલીક કાંડ સરકારને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે 78 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

સઘન પગલા લેવામાં નહીં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં જવા ચેતવણી : યુવરાજ સિંહે કહ્યું સરકારને પેપર લીકના તમામ પુરાવા આપ્યા :બોર્ડે આડકતરી રીતે પેપર ફૂટ્યાની વાત સ્વીકારી

અમદાવાદ : હેડ ક્લાર્ક પેપરલીક મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સરકારને 78 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આ મામલે સરકાર દ્વારા સઘન પગલા લેવામાં નહીં આવે તો આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં લઈ જવા માટેની ચેતવણી આપી છે.

આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા યુવરાજ સિંહે જણાવ્યું છે કે, સરકારને પેપર લીકના તમામ પુરાવા આપી દીધી છે. બોર્ડે આડકતરી રીતે પેપર ફૂટ્યાની વાત સ્વીકારી છે. આજે સાંજ સુધીમાં પોલીસ ફરિયાદ નોંધી શકે છે. આ માટે ગૌણ સેવા આયોગ જાતે જ ફરિયાદી બને. અમે 78 કલાક સુધી રાહ જોઈશું. જો સરકાર કે ગૌણ સેવા પસંદગી આયોગ ફરિયાદી નહીં બને તો અમે હાઈકોર્ટમાં જઈશું. હાઈકોર્ટ દ્વારા પર સરકારને કોઈ પગલા લેવા નહીં જણાવાય તો અમે ફરિયાદી બનવા તૈયાર છીએ. અમારી પાસે કેટલાક ગોપનીય પુરાવા પણ છે. જે અમે ગૃહમંત્રી હર્ષ સંઘવીને જ સોંપીશું. આ પુરાવા અમે ગૌણ સેવા પસંદગી મંડળને નથી સોંપવા માંગતા.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે જ સૌ પ્રથમ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર ફૂટ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ બાબતના પુરાવા પણ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારી પરમાર સાહેબ અને ગાંધીનગર પોલીસને સોંપ્યા હતા. જો કે ગઈકાલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાએ પેપર લીકના કોઈ પુરાવા ના મળ્યા હોવાનો ઉલ્લેખ કરતાં વિવાદ વકર્યો હતો. વિદ્યાર્થી નેતાએ આ મુદ્દે આસિત વોરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.

આ સાથે આજે જ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પોતાની પાસે રહેલા પેપર લીક પ્રકરણના પુરાવા સાથે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદન સોંપ્યું હતું. પેપર ફૂટવા મુદ્દે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઈ-મેઈલ કર્યો હતો. આ સમગ્ર મામલે સાબરકાંઠા SPએ મેઈલ મળ્યાની વાત સ્વીકારી છે. હાલ આ સમગ્ર પ્રકરણની તપાસ LCBને સોંપવામાં આવી છે. આમ આડકતરી રીતે પેપર લીક થયાનું ગૌણ સેવા પસંદગી મંડળે સ્વીકાર્યું છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, સરકારે પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે. અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પુરતી કામગીરી નહિ કરે. પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહિ છોડે. રાજ્ય સરકાર કોઈના કહેવાથી કે કરવાથી કોઈને દૂર નહિ કરે. સરકાર ક્યારેય પણ આવા લોકોને છાવરતાથી નથી અને રાજ્ય સરકાર પારદર્શક રીતે જ પરીક્ષાઓ લે છે. આસિત વોરા પ્રમાણિક રીતે કામ કરે છે. કોંગ્રેસની સરકારમાં પરીક્ષા કેટલી પ્રમાણિકતાથી લેવાતી હતી તે લોકોને ખબર છે.

આ ઘટનામાં મૂળ ધોળકાના વતની અને હાઇકોર્ટના પટાવાળાને પોલીસે ઉઠાવ્યો છે. કોર્ટ સંકૂલમાંથી પોલીસે પટાવાળીની ધરપકડ કરી છે. હાઈકોર્ટના પટાવાળાની ધોળકા પોલીસે ધરપકડ કરી છે. ત્યારબાદ પુછપરછમાં તમામ આરોપીઓના નામ પણ ખૂલ્યાં હતા. 10 ઓક્ટોબરે પરીક્ષા યોજાઈ હતી. સબ ઓડિટરની ભરતી કૌભાંડના 10માંથી 3 ઝડપાઈ ચૂક્યા છે. હેડ ક્લાર્કની પરીક્ષાના 11 શકમંદોને પોલીસે અટકાયત કરી છે.

(6:44 pm IST)