Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નડિયાદ:ચેક રિટર્નના કેસમાં અદાલતે તમાકુના વેપારીને એક વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ : ઠાસરા કોર્ટે ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ચૂકાદો સંભળાવ્યો છે.આ કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.

ઠાસરાના સાંઢેલી ગામમાં રહેતા છોટાભાઇ ડાહ્યાભાઇ પટેલના ઘરે વર્ષ-૨૦૧૦માં વિપુલકુમાર પટેલ ઘરે આવ્યા હતા.તે સમયે છોટાભાઇની તમાકુ પસંદ પડી હતી.જેથી નમૂનો લઇ ૪૮૬ મણ તમાકુ વિપુલકુમાર પટેલે વેચાણ રાખી હતી.જેના વીસ કિલોના રૂા.૮૨૫ લેખે તમાકુનો વટાવ કાપી કુલ રૂા.૩,૮૦,૦૦૦ હિસાબ થયો હતો.જે પૈસા ચૂકવી આપવા વિપુલકુમારે છોટાભાઇને વાયદો કર્યો હતો.પરંતુ વાયદા પ્રમાણે પૈસા ચૂકવી આપ્યા ન હતા.જેથી છોટાભાઇએ પૈસાની ઉઘરાણી કરતા ઠાસરાની એક રાષ્ટ્રીયકૃત બેંકનો ચૈક આપી પૈસા મળી જશે તેવો વાયદો કર્યો હતો. ચેકનીપાકતી તારીખે છોટાભાઇએ બેંકમાં ચેક જમા કરાવતા ખાતામાં અપૂરતા નાણાના કારણે ચેક પરત આવ્યો હતો.આ બાદ છોટાભાઇએ ઘી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મૂજબ કોર્ટમાં દાવો કર્યો હતો.આ કેસ તાજેતરમાં ઠાસરા કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિપુલકુમાર પ્રભૂદાસ પટેલને કલમ-૨૫૫(૨) ઘી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ના ગુનામાં દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.અને કલમ-૩૫૭(૩) મૂજબ વિપુલકુમારે ચેકની કુલ રકમ એટલે કે રૂા.૩,૮૦,૫૦૦ ચેકની તારીખથી ચૂકવણી તારીખ સુધી વાર્ષિક ૯ ટકાના સાદા વ્યાજ સહિત છોટાભાઇને બે માસની અંદર ચૂકવી આપવા હુકમ કર્યો છે.જો રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો અલગથી બે માસની સાદી કેદની સજા ભોગવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

(5:40 pm IST)